PGVCLના વાંકે 200 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો હેરાન
શાપર-વેરાવળ અને ગોંડલ વચ્ચેના વિસ્તૃત ઔદ્યોગિક પટ્ટામાં વીજળીની સમસ્યાએ નાના અને મોટા ઉદ્યોગોને ભારે પરેશાન કરી દીધા છે. રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રમાં કાર્યરત લગભગ 200 જેટલા નાના-મોટા ઉદ્યોગો છેલ્લા ઘણા સમયથી અનિયમિત વીજ પુરવઠા અને વારંવાર થતા પાવર કટના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે, વીજળીની અવારનવાર ખામીઓના કારણે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના લીધે સમયસર ઓર્ડર પૂરા કરવામાં અને ગુણવત્તા જાળવવામાં પણ સમસ્યા આવી રહી છે. આના કારણે આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે. એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઉદ્યોગોને સરળતાથી ચલાવવા માટે પૂરતી અને સ્થિર વીજળી અત્યંત જરૂૂરી છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેમનું કાર્ય મુશ્કેલ બની ગયું છે.
આ સમસ્યા અંગે અગાઉ પણ પીજીવીસીએલ (PGVCL) ને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, આ મુદ્દે ચર્ચા કરવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા માટે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો એકત્ર થયા હતા. એસોસિએશને આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે