દ્વારકાના રૂપેણ બંદરે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગુરુવારે માછીમાર પરિવારોના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. આ બઘડાટીમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ 29 શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઈશાભાઈ જુસબભાઈ ઢોકી નામના 70 વર્ષના વૃદ્ધ દ્વારા આ જ વિસ્તારમાં રહેતા ગુલામ હુસેન ઈશા લુચાણી, મામદ ઈશાભાઈ, ઈસ્માઈલ ઈશાભાઈ, જેનુલ ઈશાભાઈ, ગફૂર ઈશાભાઈ, ઈમરાન ઉર્ફે લાલુ ઈશાભાઈ, કાસમ ઈશાભાઈ લુચાણી, સતાર સુમાર ઢોકી, અસગર સતાર ઢોકી, શબીર સતાર, સાદિક સતાર, હાસમ સુમાર ઢોકી, રુકસાના હાસમ, ઇમરાન હાસમ અને ઈશા હુસેન લુચાણી નામના 15 શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયેલું છે કે કેટલાક આરોપીઓ ખોટા ધંધા કરવાની ટેવ વાળા હોવાથી ફરિયાદીનો દીકરો જુમાભાઈ ઉર્ફે ડાડો પોલીસમાં આ અંગેની બાતમી આપી દેતો હોવાનું માની, આ અંગેનો ખાર રાખીને યેનકેન પ્રકારે આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવારોને હેરાન પરેશાન કરી અને તકરાર કરવાનો પ્રયાસ કરતા ફરિયાદીના દીકરા જુમાભાઈએ આરોપી સતાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.
આ દરમિયાન ફરિયાદી ઈશાભાઈના કુટુંબી ભાઈ સતારભાઈ સુમાર ઢોકીની પુત્રી રિસામણે આવતા ફરિયાદીના દીકરા જુમાભાઈએ સતાર ઢોકીને સમજાવા જતા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ સાથે ફરિયાદીના ઘરમાં ગુનાહિત હેતુથી અપપ્રવેશ કર્યો હતો. આરોપીઓ દ્વારા ફરિયાદી તથા તેમના પરિવારજનો ઉપર હથિયારો વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, બેફામ મારતા તેઓને ફ્રેક્ચર સહિતની જુદી જુદી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે દ્વારકા પોલીસે ઈશાભાઈ જુમાભાઈ ઢોકીની ફરિયાદ પરથી મહિલાઓ સહિત 15 સામે આઈપીસી કલમ 323, 324, 325, 337, 447, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સામા પક્ષે આ જ વિસ્તારમાં રહેતા ગુલામ હુસેન ઈશાભાઈ લુચાણી (ઉ.વ. 29) એ દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મામા સતારભાઈ ઢોકીની પુત્રી કે જે રિસામણે હોય અને આ અંગે તેમણે કોર્ટમાં કેસ કર્યો હોવાથી યુવતીના પિતા તથા સસરા વચ્ચે મનદુ:ખ ચાલ્યું આવતું હતું. જે અંગે ફરિયાદી ગુલામહુશેન સતારભાઈનો બચાવ કરીને ચઢામણી કરતા હોવાનું માની આરોપી જુમ્મા ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકીએ તેમના વિરુદ્ધ અરજી કરી હતી. જેથી બંને વચ્ચે મનદુ:ખ ચાલ્યું આવતું હતું.
આ પ્રકરણને લઈને આરોપી જુમ્મા ઉર્ફે ડાડો ઈશાભાઈ, અબ્દુલ ઈશાભાઈ, ઈસ્માઈલ ઈશાભાઈ, ઈમરાન ઈશાભાઈ, ઈશા જુસબભાઈ, હુસેન ઈશાભાઈ, લાખા ઇબ્રાહીમ, સાહિલ લાખાભાઈ, અકબક્ષ હુશેનભાઈ ભેસલીયા, સલમાબેન ઈશાભાઈ ઢોકી, જેનમબેન ઈશાભાઈ, ઝાકુર ઈશાભાઈ, શરીફાબેન અબ્દુલભાઈ અને મરીયમબેન હુસેનભાઈ ભેસલીયાએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને ભાલો, લાકડાના ધોકા તેમજ પથ્થર વડે ફરિયાદી ગુલામહુસેન તથા તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં ફરિયાદી પરિવારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે મહિલાઓ સહિત કુલ 14 સામે રાયોટિંગ તથા જી.પી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.