શાળાઓની મનમાની બંધ: ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે
શિયાળાની શરૂઆત વાલીઓ માટે આર્થિક ભારણ લઇને થાય છે. ખાનગી શાળાઓ દ્વારા ચોકકસ કલરના સ્વેટર પહેરવા માટે વાલીઓ પર દબાણ કરતા હોય છે અને તે પણ નક્કી કરેલી દુકાનો પરથી જ તેનાથી વાલીઓ મોંઘાદાટ સ્વેટર ખરીદવા મજબુર બને છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા સહીત તમામ ડીઇઓને પરિપત્ર કર્યો અને ચોકકસ કલરના સ્વેટરનો આગ્રહ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. તેમજ શાળાઓ પણ ચોકકસ કલરના સ્વેટરના પહેરવા દબાણ નહી કરી શકે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
આ પરિપત્રને લઇ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂૂપ પાતળું, નિમ્નકક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈપણ બાળક પર દબાણ કરી શકશે નહીં, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે. કોઈપણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર કરી શકશે નહીં તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈપણ બાળકને તેના માતાપિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજાં પહેરાવી શકશે અને કોઈપણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈપણ રોકટોક કરી શકશે નહિ. જો કોઈ શાળા તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે.આ અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ પરિપત્ર જાહેર કરે તેનું અમલીકરણ થાય તે પણ જરૂૂરી છે. આવા પરિપત્રો દર વર્ષે થાય છે છતાં અનેક શાળાઓ પોતાના સ્કૂલ ડ્રેસને અનુકુળ આવે તેવા નિર્ધારિત સ્વેટર પહેરવા અને કોઇ ચોક્કસ પ્રકારના સ્ટોર કે એજન્સીઓ પરથી જ લેવા સૂચનાઓ આપે છે. તેઓએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે,ભૂતકાળમા શિયાળાની કડકડતી ઠંડીને લીધે ઠંડીના અપૂરતા રક્ષણના કારણે અનેક કિસ્સાઓમા સ્કૂલોના નાના બાળકોનાં મોત પણ થયા છે. શાળાઓ અને સ્વેટર વહેંચનારી એજન્સીઓની સાંઠગાંઠ હોય અને બજારમાં રૂૂ.300માં મળનારું જેકેટ એજન્સી રૂૂ.700 થી 1200 વિદ્યાર્થીઓને આપે છે.જેમાં સ્કૂલોનું મોટું કમિશન હોય છે અને વધુમાં સ્વેટરની ક્વોલિટી વિદ્યાર્થીઓને ઠંડીથી પૂરતું રક્ષણ આપનારી નથી હોતી. કોંગ્રેસ દ્વારા વાલીઓ માટે હેલ્પલાઈન નંબર મો.701683 7654 જાહેર કર્યા છે.