રાજયમાં 250થી વધુ નર્સિંગ કોલેજોની મંજૂરી અટકી
ફાયર એનઓસી ન હોવાથી મંજૂરી કાઉન્સિલ દ્વારા અટકાવાઇ
રાજયમાં નર્સિંગની 300થી વધારે કોલેજો પૈકી હાલમાં ફાયર એનઓસી સહિતની જુદી જુદી ક્ષતિઓના કારણે માત્ર 40 જેટલી જ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આગામી 15 દિવસમાં કોલેજો ફાયર એનઓસી સહિતની ક્ષતિપૂર્તિ ન કરે તો મંજૂરી આપવામાં નહી આવે તેવી ચીમકી પણ કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે. બીજીબાજુ લાંબા સમયથી રજિસ્ટ્રેશન કરીને પ્રવેશની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે સમિતિ દ્વારા આજે પ્રેક્ટિસ માટે મોક રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દીધી હતી. જેમાં 17866 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
પેરા મેડિકલ એટલે કે એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટીક્સ, પ્રોસ્થેટીક્સ,નેચરોપથી સહિતની જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાય સમયથી રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજયમાં જુદી જુદી નર્સિંગની સરકારી સહિતની અંદાજે 400થી વધારે કોલેજો કાર્યરત છે.
સૂત્રો કહે છે છેલ્લા કેટલાય સમયથી આ કોલેજોને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ મુદ્દે કાઉન્સિલના સત્તાધીશો કહે છે કે, ફાયર એનઓસી સહિતની જુદી જુદી ક્ષતિઓ હોવાના કારણે કોલેજોને મંજૂરી આપવામાં આવતી નથી. હાલમાં અંદાજે 40 કોલેજો એવી છે કે જેઓએ ફાયર એનઓસી સહિતની ક્ષતિપૂર્તિ કરી દીધી હોવાથી તેમને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે મોટાભાગની કોલેજોને હજુસુધી કાઉન્સિલની મંજૂરી બાકી છે. સૂત્રો કહે છે કે આગામી 15 દિવસમાં સંસ્થાઓ ફાયર એનઓસી રજૂ કરે તો મંજૂરી આપવામાં આવશે નહી તેવી ચીમકી પણ હાલ આપવામાં આવી છે.
આમ, સરકારી સહિતની અનેક કોલેજોની મંજૂરી ફાયર સેફ્ટીના મુદ્દે અટકી પડે તેવી સ્થિતિ હાલ ઉભી થઇ છે. પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં રજિસ્ટ્રેશન કરીને બેસી રહેલા વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે મોક રાઉન્ડ શરૂૂ કરીને તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. મોક રાઉન્ડમાં જુદી જુદી 1064 કોલેજોની 48170 બેઠકો પર વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ચોઇસના આધારે 17866 બેઠકો પર વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ, મોક રાઉન્ડમાં 30304 બેઠકો ખાલી પડી હતી.
મેડિકલમાં 447 અને ડેન્ટલમાં 589 બેઠકો ખાલી
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને 5મી સુધીમાં ફી ભરીને પ્રવેશ ક્ધફર્મ કરાવવા સૂચના આપવામાં આવી હતી. પ્રવેશ સમિતિ દ્વારા કુલ 6959 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જે પૈકી 5883 વિદ્યાર્થીઓએ ટયૂશન ફી ભરીને પ્રવેશ ક્ધફર્મ કરાવી લીધો હતો. જેના કારણે હાલ મેડિકલ-ડેન્ટલમાં મળીને 1075 બેઠકો નોન રીપોર્ટેડ રહી છે. મેડિકલમાં કુલ 486 બેઠકો નોન રીપોર્ટેડ રહી છે જેમાં સરકારી કોલેજની 39 અને સ્વનિર્ભર કોલેજોની 447 બેઠકોનો સમાવેશ થાય છે. આજ રીતે ડેન્ટલમાં 589 બેઠકો નોન રીપોર્ટેડ રહી છે. જેમા સરકારી કોલેજની 73 બેઠકો અને સ્વનિર્ભર કોલેજોની 516 બેઠકોનો સમાવેશ થાય છે. ખાલી પડેલી બેઠકો માટે હવે 11થી 20મી સપ્ટેમ્બર દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે.