જામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના BRTS કોરિડોરને મંજૂરી
રાજકોટ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો મળ્યા બાદ નિયમ મુજબ શહેરના રોડ-રસ્તાઓ તેમજ બીઆરટીએસ સુવિધાઓ વધારવી જરૂરી છે. જેના લીધે રીંગરોડ-2નું આયોજન કરતી વખતે બીઆરટીએસ રૂટનો ઉલ્લેખ કરવામાં આવેલ આથી હવે રીંગરોડ-2ની સાથો સાથ જામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના ત્રણ તબક્કાના બીઆરટીએસ રૂટ સહિતના કામને મંજુરી મળી ગઈ છે. રૂા. 93.30 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ અને ડામર રોડ તેમજ સર્વિસ રોડ સહિતના કામના રિટેન્ડર કરવામાં આવ્યા છે.
મનપાના બાંધકામ વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ રીંગરોડ-2 ફોરલેન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે રીંગરોડની વચ્ચે બીઆરટીએસ કોરીડોર બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્રણ તબક્કામાં બીઆરટીએસ કોરીડોર સર્વિસ રોડ સહિતના કામો શરૂ કરવામાં આવશે જેમાં જામનગર રોડથી સ્માર્ટ સીટી સુધીનું પ્રથમ તબક્કાનું તેમજ સ્માર્ટસીટીથી કટારિયા ચોકડી સુધીનું બીજા તબક્કાનું અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનું ત્રણ તબક્કાનું કામ ટેન્ડર ખુલ્યા બાદ શરૂ કરવામાં આવશે હાલ મહાનગરપાલિકાની હદમાં આવતા રીંગરોડ-2 જામનગર રોડથી ગોંડલ રોડ સુધી સિંગલ લેન તૈયાર કરવામાં આવ્યું છે.
જે ફોરલેન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથો સાથ સ્માર્ટસીટી અંતર્ગત બીઆરટીએસ રૂટ વધારવાનો હોવાથી અગાઉ રૈયારોડ પર બીઆરટીએસ રૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર રોડથી કણકોટ ચોકડી સુધીના બન્ને બાજુ રેસીડેન્ટ વિસ્તાર ધરાવતા રોડ ઉપર બીઆરટીએસ રૂટ કપવા માટે પ્રથમ રીંગરોડ-2 ફોરલેન કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. સાથો સાથ સર્વિસ રોડ અને બીઆરટીએસ કોરીડોરનું કામ શરૂ કરવામાં આવશે. હાલ ત્રણેય તબક્કાના કામ માટે અલગ અલગ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેનો કુલ ખર્ચ 93.30 કરોડ અંદાજવામાં આવ્યો છે.
8.79 કિ.મી.નો કોરિડોર બનશે
મહાનગરપાલિકાએ રીંગરોડ-2 ઉપર ફોરલેન રોડ તેમજ બીઆરટીએસ કોરીડોર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પ્રથમ ફેઈઝના કામમાં જામનગર રોડથી સ્માર્ટસીટી સુધીનો 2.1 કિ.મી.નો તથા સ્માર્ટ સીટીથી કટારિયા ચોકડી સુધીનો 3.9 કિ.મી.નો અને કટારિયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો 2.79 કિ.મી.નો કોરીડોર તૈયાર કરાશે આમ ત્રણ ફેઈઝમાં કુલ 8.79 કિ.મી.નો બીઆરટીએસ કોરીડોર તૈયાર કરાશે.
BRTSના 19 બસપોર્ટનો 5.70 કરોડનો વીમો લેવાશે
મહાનગરાપલિકા દ્વારા હાલ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો બીઆરટીએસ રૂટ કાર્યરત કરવામાં આવેલ છે. આ રૂટ ઉપર અલગ અલગ સર્કલો પર કુલ 19 બસપોર્ટ તૈયાર કરાયા છે. પરંતુ તોફાનો તેમજ અન્ય કારણોસર બીઆરટીએસ બસપોર્ટને નુક્શાન થતું હોય હવે મહાનગરપાલિકાએ તમામ 19 બસપોર્ટનો ઈન્સ્યોરન્સ લેવાનો નક્કી કરવામાં આવ્યું છે. જેમાં એક બસપોર્ટના રૂપિયા 30 લાખ લેખે 19 બસપોર્ટના ઈન્સ્યોરન્સ પાછળ રૂા. 5.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરવામાં આવી છે.
BRTS રૂટ સીસીટીવીથી સજ્જ કરાશે
હાલના માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના બીઆરટીએસ રૂટ ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પરંતુ વખતો વખત કેમેરાઓ બંધ હોવાની ફરિયાદો ક્ધટ્રોલ સેન્ટર દ્વાર કરવામાં આવી રહી છે. આથી હાલના બીઆરટીએસ રૂટ ઉપરના તમામ કેમેરાઓ કાર્યરત રહે તે બાબતે ધ્યાન અપાશે તેમજ નવા 8.39 કિ.મી.ના રિંગરોડ-2ના બીઆરટીએસ કોરીડોર ઉપર પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે એમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ વિભાગમાંથી જાણવા મળેલ છે.