For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં વધુ-3 નવા ફાયર સ્ટેશનને મંજૂરી

04:41 PM Jul 19, 2024 IST | admin
શહેરમાં વધુ 3 નવા ફાયર સ્ટેશનને મંજૂરી

નવા વિસ્તારોમાં દુર્ઘટના સમયે ઝડપથી ફાયર ફાઇટરનો સ્ટાફ પહોંચી શકે તે માટે સરવે કરી લેવાયો નિર્ણય

Advertisement

ટીઆરપી ગેનઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સાણસામાં આવી ગયું છે. જેના લીધે શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને છેવાડાના વિસ્તારોમાં ગણગણાટ ચાલુ થયો છે કે, આગની દુર્ઘટના સમયે નજીકમાં હોય તેવા ફાયર સ્ટેશનથી ફાયર ફાયટરનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચે તેમાં સમયનો વધુ બગાડ થઈ રહ્યો છે. જેની સામે તંત્ર દ્વારા પણ છેલ્લા એક વર્ષથી શહેરનો વિસ્તાર વધતા નવા ફાયર સ્ટેશન બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત હવે શહેરમાં વધુ ત્રણ નવા ફાયર સ્ટેશનને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી બેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે એક ફાયર સ્ટેશનનું ટેન્ડર ટુંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મહાપાલિકાના ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી શહેરમાં નવા ફાયર સ્ટેશનો બનાવવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે. તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં ભળેલા માધાપર, મુંજકા, મનહરપુર-1, મોટામૌવા અને ઘંટેશ્ર્વર સહિતના પાંચ ગામોના તમામ વિસ્તારોમાં હાલ બહુમાળી ઈમારતો તેમજ હોટલ-રેસ્ટોરન્ટો બની રહ્યા છે. આથી આ વિસ્તારમાં આગની દુર્ઘટના સમયે ઝડપથી ફાયર ફાયટરો પહોંચી શકે તેમ નથી. મોટામૌવા તેમજ કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઉપર આધાર રાખવો પડી રહ્યો છે. આથી અગાઉ મહાનગરપાલિકા દ્વારા બે લોકેશન નક્કી કરવામાં આવ્યા હતાં. પરંતુ એક વર્ષમાં વધુ સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટ તૈયાર થઈ જતાં હવે તંત્ર દ્વારા ત્રણ સ્થળે ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ેજમાં વોર્ડ નં. 11માં વાવડી તેમજ વોર્ડ નં. 12માં પરસાણા ચોક અને વોર્ડ નં. 1માં સ્માર્ટસીટી લાઈટ હાઉસની બાજુમાં જગ્યા ફાઈનલ કરવામાં આવી છે. સ્માર્ટસીટી અને વાવડીનું ટેન્ડર સહિતનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે પરસાણા ચોક માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે હાલ રાજકોટમાં 8 ફાયર સ્ટેશન કાર્યરત છે. અને ત્રણ નવા બનતા હવે 11 ફાયર સ્ટેશનોનો લાભ લોકોને પ્રાપ્ત થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement