નકલી શાળા કાંડમાં 8 સ્કૂલોના સંચાલકો સામે ગમે ત્યારે ફરિયાદ
તાલુકા શિક્ષણ કચેરી દ્વારા ડીડીઓને રિપોર્ટ સોંપાયો, સીપીનું માર્ગદર્શન લઇ નોંધાશે ગુનો
કુવાડવા નજીક આવેલા પિપળીયા ગામેથી પકડાયેલી ગૌરી પ્રિ-પ્રાયમરી નકલી શાળા પ્રકરણમાં રાજકોટની 8 જેટલી સ્કુલોની સંડોવણી ખુલી છે. આ તમામ શાળાના સંચાલકો સામે ગમે ત્યારે ફરીયાદ નોંધાઇ શકે છે જેની તજવીજ તાલુકા શિક્ષણ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું હતું કે પીપળીયામાં પકડાયેલ નકલી શાળા પ્રકરણમાં કુવાડવા રોડ પર આવેલી રાધેકૃષ્ણ વિદ્યાલય, એમ.બી. પટેલ, નવોદય વિદ્યાલય, ઓલ માઇટી સ્કુલ, નક્ષત્ર સ્કુલ, અક્ષર સ્કુલ, ગ્રેસ સ્કુલ અને રામદેવ વિદ્યાલયના દસ્તાવેજો મળી આવતા ઉપરોકત 8 શાળા પણ આ પ્રકરણમાં સંડોવાયેલી હોવાનું સામે આવતા તેમની સામે ગમે ત્યારે પોલીસ ફરીયાદ કરવામાં આવશે.
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે નકલી શાળા પ્રકરણમાં તાલુકા પ્રાથમીક શિક્ષણ કચેરી દ્વારા રિપોર્ટ તૈયાર કરી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો છે. આ રિપોર્ટ પોલીસ કમિશનર પાસે લઇ જઇ અને શિક્ષણ વિભાગમાં નકલી શાળાઓ માટે જે કલમ છે તે અંગે શહેર પોલીસ કમિશનરનું માર્ગદર્શન મેળવી કઇ રીતે પોલીસ ફરીયાદ કરવી તે અંગે જાણી અને કુવાડવા પોલીસ ચોકીમાં આઠ શાળાના સંચાલકો સામે ફરીયાદ કરાશે.
સુત્રોના જણાવ્યા મુજબ પીપળીયામાંથી પકડાયેલ ગૌરી પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલક દંપતિ ગામ મુકી અને પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હોવાની ચર્ચા થઇ રહી છે. જો કે તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા આ દંપતિ સામે પણ કાર્યવાહી કરવા તૈયારીઓ શરૂ કરી છે. ગણતરીની કલાકોમાં જ તમામ સંડોવણીકારો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે.
ગૌરી પ્રિ-પ્રાયમરી નકલી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા 24 જેટલા બાળકોને નજીકના ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને 11 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.