For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં અનરાધાર : ગીર સોમનાથ, જૂનાગઢ પંથકમાં 5॥ ઈંચ

05:41 PM Jul 17, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં અનરાધાર   ગીર સોમનાથ  જૂનાગઢ પંથકમાં 5॥ ઈંચ
Advertisement

રાજકોટ, જામનગર, લાલપુર, કોટડાસાંગાણી, દ્વારકા, બગસરા, વંથલી, રાણાવાવ,સુત્રાપાડા, લોધિકા વિસ્તારમાં 1થી 3 ઈંચ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ગઈકાલે સાંજથી મુસળધાર વરસાદ વરસતા ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિતના પંથકમાં 1થી 5॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરોમાં તેમજ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. અનેક પંથકમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનાઓમાં કાલાવડના જશાપર ગામે વિજળી પડતા ખેડુતનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવક બાઈક સાથે તણાતા લાપતા થતાં શોધખોળ હાથ ધરાઈ છે. શહેરી વિસ્તારમાં ભારે વરસાદના પગલે ગોઠણસમા પાણી ભરાયા હતાં. સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જે પૈકી રાજકોટ શહેરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

Advertisement

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સવારે થી લઈ સાંજે સુધીમાં ગીર સોમનાથના વેરાવળમાં 5.2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નીચાણ વાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. કેશોદ માંગરોળ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલી મુકાયા હતા. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર સહિતના પથંકમાં અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.

જૂનાગઢ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં માંગરોળમાં 4.8 ઇંચ, માળિયા હાટિનામાં 4.6 ઇંચ, માણાવદરમાં 3, મેંદરડામાં 2.4 ઇંચ જ્યારે ભેસાણમાં 24 મિ.મી., કેશોદમાં 18, જૂનાગઢમાં 12, જૂનાગઢ શહેરમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં લોધીકામાં 15 મિ.મી., ધોરાજીમાં 15, જસદણમાં 11, કોટડા સાંગાણીમાં 9, જેતપુરમાં 9, જામકંડોરણામાં 9, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં પોરબંદરમાં 2.2 ઇંચ, રાણાવાવમાં 1.7 ઇંચ, કુતિયાણામાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામ જોધપુરમાં 5 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 19 મિ.મી., દ્વારકામાં 10 મિ.મી., કલ્યાણપુરમાં 9 મિ.મી. વરસ્યો છે. બોટાદમાં 7 મિ.મી., ગઢડામાં 2 મિ.મી., ભાવનગરના ઉમરાળામાં 6 મિ.મી., મહુવા(ભાવનગર)માં 4 મિ.મી. વરસાદ વરસ્યો છે. અમરેલીના બગસરામાં 1.3 ઇંચ, કુંકાવાવમાં 15 મિ.મી., ખાંભામાં 8 મિ.મી., બાબરામાં 4, અમરેલીમાં 4, લિલિયામાં 3, રાજુલામાં 3 અને જાફરાબાદમાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં અબડાસામાં 13 મિ.મી., માંડવી(કચ્છ)માં 9 અને નખત્રાણામાં 4 મિ.મી. વરસાદ પડ્યો છે. યાત્રાધામ દ્વારકામાં ભારે પવન સાથે તોફની વરસાદ વરસી રહ્યો છે. દ્વારકામાં ગાજ વિજ શાથે ધોધમાર વરસાદ તુટી પડયો છે. આકાશી ગંગા ભગવાન દ્વારકાધીશ જગત મંદિર શિખર પર વરસતી સ્વર્ગ દ્વાર 56 સીડી પર નયન રમ્ય દ્રષ્યો છવાયાં છે. ભારે વરસાદના નીર જગતમંદિર માથી સિધ્ધા સ્વર્ગ દ્વાર 56 સીડી થી ખડખડાટ વહેતા વરસાદી નીર સિધ્ધા ગોમતી નદીમાં સમાયા છે. ભારે વરસાદને પગલે ગોમતી નદી બે કાંઠે વહી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement