વાવડીની ફેકટરીમાં લાગેલી આગ પ્રકરણમાં વધુ એક મજૂરે દમ તોડયો
ગોંડલ રોડ પર આવેલ વાવડી સર્વે નં. 33 પ્લોટ નં. 31માં આવેલી ઝા એન્ટરપ્રાઈઝ નામની સ્ક્રેપની ફેક્ટરીમાં મશીનમાં શોર્ટ સરકિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠતાં મોટી નુકસાની થઈ હતી તેમજ યુપીના બે મજૂર દાઝી ગયા હતાં. જે પૈકી એકનું અઠવાડીયા પહેલા મૃત્યુ થયા બાદ વધુ એક મજૂરે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ,વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સત્યનારાયણ વે બ્રિજ પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઈઝ નામના સ્ક્રેપના કારખાનામાં 10/1ના સાંજે મશીનરીમાં આગ ભભુકતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગે કારખાનાના માલિક ચંદુભાઈ ઝાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાયટરો સ્થળ પર દોડી જઈ સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કારખાનામાં આગ લાગતા કામદાર ઉદયરાજ પ્યારેભાઈ યાદવ (ઉ.વ.45), મંગરે ભગવાનભાઈ દાસ (ઉ.વ.30) નામના શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જે પૈકી ઉદયરાજ યાદવનું અઠવાડીયા પહેલા મૃત્યુ થયા બાદ મંગરે દાસનું 26મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂૂ, અશ્વિનભાઈ રાઠોડ, તૌફિકભાઈ જુણાચ, ભાવેશભાઈ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મંગરે દાસ ચાર ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો હતો. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતે એકાદ મહિના પહેલા જ વાવડીની ભંગારની ફેક્ટરીમાં મજૂરી કરવા આવ્યો હતો.