વડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયો
વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો છે. જેમાં ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક શોધ શરૂૂ કરવામાં આવી છે. શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરે વધુ એક વ્યક્તિનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે.
વડોદરા પાસેના કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખાતા હોવાથી અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો ઉપર સતત જોખમ રહે છે. ગઈકાલે મોડી સાંજે મેઘલીબેન નામની મહિલા એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને લેવા નદી ક્રોસ કરતી હતી દરમિયાન એક મગર તેને નદીમાં ખેંચી ગયો હોવાનો બનાવ બનતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા.
બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામરોલ, કોટાલી તેમજ માંગરોલ ગામ સુધી શોધખોળ કરવામાં આવી રહી છે. તેમ છતાં આજે સવારે સુધી મહિલાની કોઇ જાણકારી મળી નથી.