રોગચાળાના કાળના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ: યુવકનું ડેન્ગ્યુથી મોત
રાજ્યભરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો જીવલેણ બની રહ્યો હોય તેમ સાવરકુંડલાના વિજપડી ગામના યુવકનું ડેન્ગ્યુની બીમારીથી રાજકોટ સરવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતો દિવ્યેશ ઘનશ્યામભાઈ કટારીયા નામનો 28 વર્ષનો યુવાન ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે ની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ આ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યેશ કટારીયા બે ભાઈમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. દિવ્યેશ કટારીયા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે દિવસથી તાવની બીમારીમાં સપડાતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ત્યાં તેનો ડેંગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.