ખંભાળિયામાં વધુ દોઢ ઈંચ વરસાદ
સમગ્ર રાજ્યમાં ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારે વરસાદના કારણે ચર્ચામાં છે. ત્યારે ગઈકાલે ગુરુવારે પણ મેઘરાજાએ તેમની અવિરત રીતે ઇનિંગ જાળવી રાખીને સાંજ સુધીમાં વધુ દોઢ ઈંચ પાણી વરસાવી દીધું છે.
ખંભાળિયા પંથકમાં ગઈકાલે પણ આખો દિવસ વરસાદી માહોલ વચ્ચે ભારે ઝાપટાનો દૌર કરી રહ્યો હતો. જેમાં ખાસ કરીને બપોરે એકાદ વાગ્યાના સમયે ધોધમાર એક ઈંચ વરસાદ પછી પણ વરસાદી ઝાપટા જારી રહેતા સાંજ સુધીમાં 37 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 2222 મી.મી (89 ઈંચ) થવા પામ્યો છે.
જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાના વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને હવે વરસાદી બ્રેક આવે તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. દ્વારકામાં મોસમનો કુલ વરસાદ 2199 મી.મી. (88 ઈંચ), કલ્યાણપુરમાં 1952 મી.મી. (78 ઈંચ) અને ભાણવડમાં 1429 મી.મી. (57 ઈંચ) થવા પામ્યો છે.
(તસવીર : કુંજન રાડિયા)