રાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોત
કોરાટ ચોકડી પાસે રાત્રે એક વાગ્યે જનોઇ પ્રસંગ પતાવી ગોંડલનો પરિવાર બે સ્કૂટર પર ઘરે જતો હતો ત્યારે કાળ ત્રાટકયો: હિટ એન્ડ રનની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ બન્નેના મૃતદેહ સ્વીકારાશે
પિતા-પુત્રને ઇજા થતા સારવાર હેઠળ, પરિવારમાં શોક: ટ્રેઇલર ચાલકને પોલીસે પીછો કરી પકડયો
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ બનેલી સીટી બસની અકસ્માતની ઘટનાની સાહી સુકાઇ નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે નવા દોઢસો ફુટ રીંગરોડ પર આવતા કોરાટ ચોક નજીક રસ્તો ઓળંગવા ઉભા રહેલા ગોંડલના પરિવારના બે સ્કુટરને બેકાબુ થયેલા ટ્રેઇલરના ચાલકે ઠોકરે લેતા સાસુ-વહુના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ બન્નેના પતિને ઇજા થતા સારવારમાં ખસેડાયા છે તેમજ અકસ્માતની ઘટના બાદ ટ્રેઇલર ચાલકનો પીછો કરી પોલીસે પકડી લીધો હતો. આ ઘટનામાં શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. તેમજ એક જ પરિવારનાં બે વ્યક્તિના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
વધુ વિગતો અનુસાર ગોંડલના કૈલાસબાગ સોસાયટીમાં રહેતા મનોજભાઇ હરદાસભાઇ બાવનીયા (ઉ.વ.49) (રામાનંદી સાધુ), તેમના પત્ની જયોતિબેન (ઉ.વ.49), પુત્ર વ્યોમ મનોજભાઇ (ઉ.વ.25) અને પુત્રવધુ જાનવી (ઉ.વ.23) એમ ચારેય બે અલગ અલગ સ્કુટર પર ગઇકાલે સવારથી તેમના સંબંધી રશ્મીબેન રજનીભાઇ દેવમુરારીના દીકરા રીષીની જનોઇ પ્રસંગમાં કટારીયા ચોકડી પાસે ભાવભુમી પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. ગઇકાલે ત્યાં પ્રસંગ પુરો થયા બાદ રાત્રે એકાદ વાગ્યે બન્ને દંપતી પોતાનું સ્કુટર લઇ કોરાટ ચોક પાસે ટ્રાફીક હોય માટે રસ્તો ઓળંગતા હતા ત્યારે કાળ બનીને આવેલા ટ્રેઇલરના ચાલકે ઠોકરે ચડાવતા પ્રથમ જયોતિબેન પર અને બાદમાં ચાંદનીબેન પર વ્હીલ ફરી વળતા બન્નેના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે પિતા મનોજભાઇ અને પુત્ર વ્યોમને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.
અકસ્માતની ઘટના બાદ બન્નેના મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયા છે. અકસ્માત સર્જયા બાદ ટ્રેઇલરનો ચાલક ભાગી ગયો હતો અને આ સમયે ત્યાં પોલીસ હાજર હોય પીછો કરી ચાલકને એક કી.મી. દુરથી પકડી લીધો હતો.
મનોજભાઇ બાવનીયા ગોંડલમાં પતંજલી હર્બલ સ્ટોરમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં વ્યોમ એક પુત્ર છે. જયારે વ્યોમ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમના એક વર્ષ પહેલા જ જાનવી સાથે લગ્ન થયા હતા. જાનવીનું માવતર કાલાવડના ઘુળશીયામાં આવેલું છે. તેમના પિતાનું નામ ધર્મેન્દ્રભાઇ અગ્રાવત છે અને પોતે એક ભાઇની એકની એક બહેન હતી. આ અકસ્માતની ઘટના મામલે પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસ હાલ હીટ એન્ડ રનની કલમ હેઠળ ગુનો નથી નોંધી રહી આરોપી અકસ્માત સર્જી ભાગ્યો હોય તો હીટ એન્ડ રનની કલ હેઠળ ફરીયાદ બને છે.
જો પોલીસ હીટ એન્ડ રનની કલમ હેઠળ ગુનો નોંધશે તો જ બન્ને મૃતદેહોા પોસ્ટમોર્ટમ કરવા દઇશું. જો કે આ મામલે હવે શાપર-વેરાવળ પોલીસ દ્વારા ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે. એક જ પરિવારના બેના મોતથી પરિવારમાં શોક છવાયો છે.