મહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ
મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોતની ઘટના બની હતી, જેમાં એક ગુજરાતનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત થયું છે. વાંસદા તાલુકાના રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય યુવકનું પ્રયાગરાજમાં કુંભ મેળામાં મોત થયું છે. સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો અને ત્યારબાદ મોત થયાના એહેવાલો મળ્યા છે.
નવસારીના વાંસદાથી 35 વર્ષીય વિવેક પટેલ નામનો યુવક કુંભમાં સંગમ ઘાટમાં સ્નાન કરવા ગયો હતો, જો કે આ સમયે યુવકને ચક્કર આવતા તે અચાનક જ ઢળી પડ્યો હતો. ઘટના બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.