બસપોર્ટ પાસે વધુ એક જીવલેણ અકસ્માત : સીટી બસના ચાલકે બાઈકને ઉલાળતા યુવકનું મોત
શહેરમાં બેફામ દોડતી સીટીબસના કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજશ્રી ટોકીઝધ પાસે રહેતો યુવાન પેટ્રોલ પુરાવી ઘરે જતો હતો ત્યારે બસપોર્ટ પાસે સીટીબસના ચાલકે યુવકના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આબનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રાજશ્રી ટોકીઝ સામે આવેલી કોટક શેરી નં. 4માં રહેતા લક્ષ્મણ કુંભાભાઈ સિંગરખિયા નામનો 22 વર્ષનો યુવાન ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ બસસ્ટેશન પાસે પસાર થઈ રહ્યો હતો. ત્યારે જીજે-3-બીઝેડ-0220 નંબરની સીટીબસના ચાલકે લક્ષ્ણ સિંગરખિયાના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકનું મોત નિપજતાં પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં વચેટ હતો. મૃતક યુવાન કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.યુવક પેટ્રોલ પુરાવીને ઘરે જતો હતો ત્યારે કાળ બનેલી ત્રાંટકેલી સીટીબસેની ઠોકરે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી સીટીબસના ચાલક વિરુદ્ધ કાનુની તપાસનો દૌર લંબાવ્યો છે.