જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યા
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટીંગનો ગુનો નોંધાયો છે. અને જામનગરમાં સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બે ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે, અને શેર બજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે 1 કરોડ 81 લાખની રકમ ગુમાવ્યા નો વારો આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા બંને ચીટર શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.
આ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં સિધ્ધનાથ સોસાયટી નજીક દ્વારકેશ કોમ્પલેક્ષમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ગજેન્દ્ર ગીરી હરનામગીરી ગોસ્વામી નામના 55 વર્ષના પ્રૌઢ એ સોશિયલ મીડિયા ના માધ્યમથી પોતાના સંપર્કમાં આવેલા જતીન વર્મા નામધારી એક શખ્સ તથા રાજલાલ વસાણી નામના મોબાઈલ ધારક કે જે બંનેએ શેરબજારમાં રોકાણના બહાને પોતાની પાસેથી અલગ અલગ સમયે એક કરોડ 81 લાખ જેટલી રકમ ઓનલાઇન ટ્રાંજેક્શન મારફતે મેળવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 5.9.2024 થી તારીખ 30.10.2024 સુધીના અલગ અલગ સમયગાળા દરમિયાન ફરીયાદી ગજેન્દ્રગીરી ના સંપર્કમાં આવેલા ઉપરોક્ત બંને ચિટર શખ્સોએ મોબાઇલની બોગસ એપ્લિકેશન મારફતે શેર બજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી 1 કરોડ 81 લાખ જેવી રકમ અલગ અલગ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને ત્યારબાદ બંને એ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.
સમગ્ર મામલામાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં આખરે મામલો સાયબર સેલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપી સામે ગુનો નોંધાયો છે. સાયબર સેલની ટીમના પીઆઇ એ.આઇ. ધાસુરા અને તેઓની ટીમ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.