રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો કેસ, લોધિકાનો બાળક સારવારમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ છ દર્દીઓ દાખલ છે જેમાં બેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. લોધિકાનો એક બાળક કે જેને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ નવ વર્ષના બાળકની સારવાર ચાલુ છે. ઝનાના હોસ્પિટલમાં દાખલ એક બાળક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં કુલ છ દર્દીઓ દાખલ છે જેમાં બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આજે લોધિકા પંથકમાંથી એક 9 વર્ષનો બાળક સારવારમાં દાખલ થયો હતો. મુળ મધ્યપ્રદેશનાં ધાર જિલ્લાના વતની આ પરપ્રાંતિય પરિવાર તેમના વતનથી 10 દિવસ પહેલા જ રાજકોટના લોધિકા ખાતે આવ્યો હોય આ બાળકની તબિયત બે દિવસ પૂર્વે બગડતાં તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જેના રિપોર્ટ લઈ પુના ખાતે મોકલવામાં આવ્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટીસના કુલ 124 થી વધુ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા અને અરવ્વલી પંથકમાં છે. અમદાવાદમાં પણ 12 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કુલ છ દર્દીઓ દાખલ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ બે દર્દીના અગાઉ મોત પણ થયા છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકાર પણ સર્તક થઈ છે અને આ રોગને કાબુમાં લેવા માટે દવાઓ તેમજ ઈન્જેકશન સહિતનો સ્ટોક સાથેનો સ્ટાફ રાજ્યભરની તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.