ભાવનગર નજીક વધુ એક અકસ્માત: ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બેનાં મોત
યુવાન અમદાવાદ ભાડું લઇને નીકળો હતો
ભાવનગર નજીક ગણેશગઢ ગામના પાટીયા પાસે એક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા કાર ચાલક યુવાન તથા કારમાં સવાર આઠ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અકસ્માતની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રાજપૂત વાડામાં રહેતો સાગર શંકરભાઈ બારૈયા ઉ.વ.24 તેના મિત્રની કાર નંબર જીજે 04-સીએે-0820 લઈને શહેરના એક વિસ્તારમાંથી દેવાંશી વિરલ મહેતા તથા તેનો આઠ વર્ષીય પુત્ર વેદને લઈને અમદાવાદનું ભાડું લઈને વહેલી સવારે નીકળ્યો હતો. આ કાર ભાલ પંથકના ગણેશગઢ ગામના પાટીયા પાસે પહોંચતા રોડ પર બંધ હાલતમાં પડેલ ટ્રક નંબર એમ પી 09-એચએચ-0929 ફુલ સ્પીડમાં ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે કારમાં સવાર ચાલક સાગર બારીયા તથા મુસાફરી કરી રહેલ દેવાંશીબેન અને તેના પુત્ર વેદને ગંભીર ઈજા પહોંચી હતી. આથી રાહદારીઓએ તત્કાલ મદદે દોડી આવી એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સાગર તથા બાળક વેદનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે મહિલા દેવાંશીબેનને ગંભીર ઈજા પહોંચી હોય હાલ તેઓ સારવાર હેઠળ છે. આ અકસ્માત અંગે વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.