રાજકોટ જિલ્લા દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 1103 કરોડ નોંધાયું
રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની 64મી વાર્ષિક સાધારણ સભા તા.29/09/2024નાં રોજ કુમાર છાત્રાલય, જામકંડોરણા મુકામે રાખવામાં આવેલ. આ સમારંભ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકનાં ચેરમેન અને જેતપુર મતવિસ્તારનાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કૃષિ અને પશુપાલન વિભાગનાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા, જળ સંપતિ વિભાગનાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરીયા, સહકાર વિભાગનાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકો- ન્યુ દિલ્હીનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાફેડ - ન્યુ દિલ્હીનાં ચેરમેન જેઠાભાઈ આહિર, ગુજરાત સ્ટેટ કો.-ઓપ. બેંકનાં ચેરમેન અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ. બી.કે.સીઘલ, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેંકનાં વા.ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરિયા તેમજ સંસદસભ્યો, ધારાસભ્યો અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની 64મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ 6.14% વધેલ છે જેથી સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 17% વધારો થયેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂૂા.25/- "મિલ્ક ફાઈનલ પ્રાઈઝ" માટે રૂૂા. 21.97 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂૂા.843/ ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂૂા.53/વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂૂા.12.19 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂૂા.4.78 કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂૂા.26.75 કરોડ પરત ચુકવશે.દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ,લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેચાણ વધારવા પ્રયત્નો કરેલ છે. સંઘે ગત વર્ષની સરખામણીએ દૂધનાં વેચાણમાં 4.5 %, દહીંનાં વેચાણમાં 16% નો વધારો થયેલ છે.