ગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયા
ભારતીય જનતા પાર્ટી તેના મંડલ પ્રમુખોની આગામી સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. આમ તો એક સપ્તાહ પૂર્વે જ તમામ 530થી વધુ મંડલ પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવનાર હતી, પરંતુ પક્ષ દ્વારા મહાનગરોને જિલ્લા એકમ તરીકે ગણી નિયત વોર્ડ કે મંડલોને એક જિલ્લા પ્રમુખના હવાલે મૂકવા જેવા કેટલાક મહત્વના સંગઠનાત્મક વિભાજન માટેની તૈયારી કરી હતી.
આ કારણે અમદાવાદ અને સુરત મહાનગરો સહિત કેટલાક જિલ્લાઓમાં મંડલ પ્રમુખો માટેની પ્રક્રિયાને થંભાવી દેવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હાલ નવા વિભાજનની પ્રક્રિયા પર બ્રેક મારી દેતાં ગયા સપ્તાહમાં તમામ મંડલ પ્રમુખો માટે સેન્સ લેવા સહિતની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.
ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, ગયા સપ્તાહે તમામ 530થી વધુ મંડલ (મહાનગરોમાં વોર્ડ) માટે ઉમેદવારોની આખરી પસંદગી પ્રક્રિયા પૂર્વે નિરીક્ષકોએ સંબંધિત મંડલના કાર્યકરો, આગેવાનોને મળીને તેમના અભિપ્રાય મેળવ્યા હતા. આ અભિપ્રાયના આધારે મોટાભાગના મંડલ માટે એકથી ત્રણ કાર્યકરોની પેનલ તૈયાર કરી પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવી છે. શનિવાર અને રવિવાર એમ બે દિવસ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યના તમામ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકો, ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રાથમિક વિગતો મેળવી છે. હવે એકાદ સપ્તાહમાં જરૂૂર જણાશે તો વધુ એક બેઠક બાદ તબક્કાવાર રીતે મંડલ પ્રમુખોના નામો જાહેર કરી દેવામાં આવશે.
મંડલ પ્રમુખોના નામોની જાહેરાત થવા સાથે નવા વર્ષના આરંભે જ એટલે કે લગભગ 1 જાન્યુઆરીથી જિલ્લા પ્રમુખો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂૂ થશે, તેમ કહી સૂત્રો કહે છે કે, મંડલ પ્રમુખની જેમ જ જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભરવાના રહેશે. જિલ્લા પ્રમુખ માટે ઉંમરની લાયકાત 60 વર્ષની છે. એટલે કે 60 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કાર્યકર ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત અન્ય ધારાધોરણો મંડલ પ્રમુખ માટે રખાયા હતા એ જ રહેશે. જોકે, મંડલ પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકરોને કામ કરવાની તક આપવા તથા ચોક્કસ સંજોગોમાં 40ને બદલે 45 વર્ષની ઉંમર સુધીના કાર્યકરની પસંદગીની છૂટછાટ આપવામાં આવી છે એવી છુટછાટો અંગે પ્રદેશ વિચારી શકશે. હાલ ઉંમરના કિસ્સામાં કોઇ છૂટછાટની વિચારણા કરવામાં આવી નથી.હાલ પક્ષને રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉત્તરાયણ પછી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય એ પહેલાં પ્રદેશમાં પ્રમુખ માટેની પસંદગી પૂરી કરવાની દિશામાં કામ કરવાનું છે, તેમ કહી સૂત્રોનું કહેવું છે કે, જિલ્લાના પચાસ ટકા પ્રમુખોની પસંદગી જાહેરાત પૂરી થતાં જ પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ પર લેવાશે. આ માટે રાષ્ટ્રીય સ્તરેથી ચૂંટણી નિરીક્ષકો આવશે અને એમની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા આગેવાન કાર્યકરની પ્રમુખ તરીકે પસંદગી કરાશે. જોકે, ભાજપમાં કોઇપણ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા થતી હોતી નથી, એમ છતાંય આખી કામગીરીને ઔપચારિક્તા આપવામાં આવશે.