વડોદરામાં ભડકેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને 500 મીટર સુધી ઢસડ્યો
વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીનો કામગીરી દરમિયાન માંડ-માંડ જીવ બચ્યો. રખડતી ગાયને પકડવામાં કર્મચારીનો પગ દોરડામાં ફસાતા જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. ભડકેલી ગાયે દોટ મૂકીને અડધો કિલોમીટર સુધી કર્મચારીને ઢસડ્યો, જેના કારણે કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ગાય પકડવા ગયેલા ઢોર પાર્ટીના કર્મચારી ગાયને પકડવા ગયો ત્યારે ગળે બાંધેલો રસો કર્મચારીના પગમાં આવી જઈને ગાંઠ વાગી જતા ભડકેલી ગાય દોડી હતી, જેથી કર્મચારી અડધા કિલોમીટર જેટલો રોડ ઉપર ઢસડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓને લઈ કર્મચારીને 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોર્પોરેશન ઢોર પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતી ગાયોને પકડવા માટેનો અભિયાન ચલાવી રહી છે, જે અભિયાન અંતર્ગત કોર્પોરેશનની ઢોર પાર્ટીના 8 કર્મચારીઓની એક ટીમ શહેરના વારસિયા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયોનો પકડવા માટે ગઈ હતી.
વારસિયા વિસ્તારમાં એન્ટ્રી થતાની સાથે જ રોડ ઉપર રખડતી બે ગાયોને ઢોર પાર્ટીના કર્મચારીઓએ પકડી હતી. તે બાદ ત્રીજી ગાય સામેથી આવતી હતી, તે ગાયને પકડવા માટે મહેશ ધવલભાઈ પટેલ નામના કર્મચારીએ ગાયની ઉપર દોરડું નાખીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ગાયને ગળામાં બાંધેલો બીજું દોરડુ ઢોર પાર્ટીના કર્મચારીના પગમાં ભરાઈ જતા સમગ્ર ઘટના બની હતી.
આ ઘટનાને જોનાર સાથી કર્મચારી મહેશને બચાવવા માટે પાછળ દોડ્યો હતો. જોકે, ગાયને રસ્તે રોકીને દોરડા વડે થાંભલે બાંધી હતી પરંતુ, આ બનાવ અંગેની જાણ થતા ગૌપાલક રબારી ત્યાં આવી પહોંચ્યો હતો અને થાંભલે બાંધેલી ગાયને છોડીને લઈ ગયો હતો