આંગણવાડી વર્કરોની બીજા દિવસે હડતાળ યથાવત: સરકાર સામે સૂત્રોચ્ચાર
લઘુત્તમ વેતનમાં વધારા સહિતના પ્રશ્ર્ને રાજ્યની એક લાખથી વધારે આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરી ગઇ છે. આજે આંગણવાડીની વર્કરોની હડતાલનો બીજો દિવસ છે. સતત બે દિવસથી ચાલતી હડતાલથી બાળકોના અભ્યાસ અને શિક્ષણ પર અસર પડી રહી છે. ન્યાય માટે વર્કરો દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે અને લડી લેવાનું એલાન કરવામાં આવ્યું છે. બે દિવસની હડતાલથી આંગણવાડીઓમાં નાસ્તાનું વિતરણ અને શિક્ષણ ખોરવાયું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર રિજિયન મહામંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રમુખ સંગીતા દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 2,500 જેટલી આંગણવાડી આવેલી છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત 5 હજારથી વધુ બહેનો 2 દિવસની હડતાલ પર છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં 62,000થી વધુ બાળકો છે, પરંતુ બે દિવસ આંદોલનને કારણે આંગણવાડી બંધ રાખવામાં આવી છે. બહેનોને લઘુતમ વેતન દર આપવા ઉપરાંત પગાર વધારા સહિતની માંગને લઈને રાજકોટ શહેરના જ્યુબિલી મેદાન ખાતે આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આજે શનિવારે રાજકોટમાં આંગણવાડી બહેનો વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવશે. આંગણવાડી મહિલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારીમાં બહેનો માટે જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેલના ડબ્બા, ગેસના બાટલાના વધતાં ભાવ, સ્કૂલની ફી વધતાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેથી સરકાર હાલ મજાકરૂૂપ પગાર આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી પગારમાં કોઈપણ પ્રકારનો વધારો આપવામાં આવ્યો નથી. 2022માં 3 દિવસની હડતાલ પાડી હતી, ત્યારે રાજ્ય સરકારે રૂ.2,200નો વધારો આપ્યો હતો. જેથી કેન્દ્ર સરકાર પગાર વધારો આપે તે ખૂબ જ જરૂરી છે.