હાઈકોર્ટની મંજૂરી બાદ પગાર વધારાની અમલવારી નહીં થતાં આંગણવાડી કર્મચારીઓએ મોરચો માંડયો
હાઇકોર્ટે મંજૂરી આપ્યા બાદ પણ સરકારે હજુ સુધી પગાર નથી વધાર્યો, આંગણવાડીની પાંચ હજાર બહેનોએ રેલી કાઢી ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકારે પગાર વધારો નહીં કરતાં આંગણવાડીની બહેનોમાં રોષ ફેલાયો હતો. આજે સુરતમાં દક્ષિણ ગુજરાતની પાંચ હજારથી વધુ આંગણવાડીની બહેનોએ રેલી કાઢી પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે, આજે સુરતમા દક્ષિણ ગુજરાતની પાંચ હજાર જેટલી આંગણવાડીની બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રેલી કાઢી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે પગાર વધારાની મંજૂરી આપી છે તે છતાંય રાજ્ય સરકારે હજી સુધી પગારમાં વધારો કર્યો નથી. રાજ્ય સરકાર તમામ વિભાગોના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપે છે પણ અમને ક્યારેય આપ્યું નથી. જે બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.વર્ષ 2024માં હાઈકોર્ટે કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી.
આ દરમિયાન સરકારની અપીલ પર ચુકાદો આપતાં હાઈકોર્ટે આંગણવાડીની બહેનોને રાહત આપી હતી. કોર્ટે આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો આપવા હુકમ કર્યો હોવાનું પણ આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું. હાઈકોર્ટનો હુકમ હોવા છતાં સરકારે આજદિન સુધી કોઈ પગાર વધારો ચૂકવ્યો નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.