અનરાધાર 12 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું
જનજીવન પર માઠી અસર, રણજિત સાગર રોડ પરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, 60 લોકોનું રેસ્કયૂ
જામનગરમા છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદની સરેરાશ ચાર થી વધુ ઇંચ નોંધાઈ છે. જો કે, લાલપુર તાલુકામાં સૌથી વધુ નવ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ રૂૂમના જણાવ્યા અનુસાર આજે સવારે છ ના વાગ્યા સુધીમા જામનગર શહેરમાં 107 મીમી, જોડીયામાં 66 મીમી, ધ્રોલમાં 63 મીમી, કાલાવડમાં 172 મીમી, લાલપુરમા 168 મીમી અને જામજોધપુરમાં 218 મીમી વરસાદ નોંધાયો છે. દર બે કલાકે પડેલા વરસાદના આંકડાઓ મુજબ, રાત્રિના સમયે વરસાદની તીવ્રતા વધી હતી. જામનગર શહેરમાં સવારથી સાંજ સુધીમાં 107 મીમી વરસાદ નોંધાયો છે. જોડીયા, ધ્રોલ, લાલપુર અને કાલાવડમાં પણ સરેરાશ 60 થી 170 મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારના ગામડાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના અનેક ગામોમાં 8 થી 11 ઇંચ સુધી વરસાદ નોંધાતાં ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વિગતો મુજબ, વસઈમાં 185 મીમી, લાખાબાવળમાં 175 મીમી, જામવંથલીમાં 230 મીમી, મોટી ભલસાણમાં 235 મીમી, દરેડમાં 195 મીમી, ખરેડીમાં 196, મોટા વડાળામાં 150 મીમી, ભલસાણ બેરાજામાં 170 મીમી, મોટા પાંચદેવડામાં 190 મીમી, સમાણામાં 176 મીમી, શેઠ વડાળામાં 155 મીમી, વાંસજાળીયામાં 180 મીમી, ધ્રાફામાં 180 મીમી, પરડવામાં 175 મીમી, નરએણમાં 205 મીમી, મોડપરમાં 195 મીમી, હરીપરમાં 185 મીમી, સૈથી વધુ લતીપુરમાં 290 મીમી, સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ બંધ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જળબંબાકાર વાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
ખાસ કરીને રણજીતસાગર વિસ્તારના પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક, મોદી સ્કુલ, કાલીંદી સ્કુલ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.શહેરના શુભમ સોસાયટી 2, 3, 4, કિર્તી પાન રોડ, રણજીતસાગર રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરીને 2 પ્રેગ્નન્ટ મહિલાઓ સહિત 40થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાઓ અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે.
અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને પોતાના ઘરો ખાલી કરીને સલામત સ્થળે જવું પડ્યું છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.
ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ: લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન
છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે.શહેરના રણજીતસાગર રોડ, સરદાર પાર્ક, વ્રજ, આશીર્વાદ, મંગલદીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.
દરેડમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ
જામનગર નજીક દરેડ અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, અને માત્ર મંદિરના ગુંબજ દેખાયા છે. જામનગર નજીક દરેડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ જવાના કારણે રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, અને દરેડનું ખોડીયાર મંદિર કે જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મંદિરના માત્ર ગુંબજ દેખાઇ રહ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ મંદિર પરિસર વિસ્તારમાંથી વહી રહ્યો છે.
બેડી યુવાન તણાયો: તંત્ર દ્વારા શોધખોળ
જામનગરના બેડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાન તણાઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતાં સૌપ્રથમ પોલીસ તંત્ર દોડતું થયું હતું જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને બાળકને શોધવા માટે ની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ એસ.ડી.આર.એફ. ની ટીમ પણ લાપતા બનેલા યુવાનને શોધવામાં જોડાઈ હતી. જો કે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
ત્રણ દરવાજા પાસે હોર્ડીંગનું જોખમ
ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી એક ઇમારતની અગાસી પર લગાવેલું એક વિશાળ હોડિંગ આજે અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ હોડિંગ હાલમાં બાજુની દુકાનના બિલ્ડીંગ પર અડધું લટકી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતા લોકો પર કોઈપણ સમયે પડી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.