બરડા ડુંગરમાં ઓપન જંગલ સફારી બનશે
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
મંત્રીએ ઉમેર્યું કે, બરડો ડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના સિદસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે. મંત્રીએ કહ્યું કે, ભવિષ્યમાં બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરવામાં આવશે.