શાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલન
ગોંડલ નેશનલ હાઇવે ગુંદાળા રોડ પર આવેલ યમુના પાર્ક સોસાયટી પાસેથી એક વૃદ્ધ માજી સુનમુન હાલત માં બેઠા હોય સ્થાનિકોએ પૂછપરછ કરતા વૃદ્ધ માજી કાઈ બોલતા ન હોય ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડને ફોન કરતા તત્કાલિક તેમની ટીમના સભ્યો જયભાઈ માધડ, જગાભાઈ ભરવાડ અને ભવ્યેશભાઈ ગોહેલ સ્થળ પર પોહચી વૃદ્ધાને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃદ્ધાને જમાડી ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃદ્ધ માજી નું કાઉન્સેલીંગ કરતા વૃદ્ધા ઘરેથી કોઈપણ ને કહ્યા વગર નીકળી ગયેલ હતા અને ચાલીને ગોંડલ આવી પોહચ્યા હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દીનેશભાઈ માધડે વૃદ્ધાના પરિવારની શોધખોળ શરૂૂ કરી હતી અને આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી.
શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યોની મહેનત આખરે રંગ લાવી અને લોધિકા પોલીસ મારફત પરિવારને શોધવામાં સફળતા મળતા દિનેશભાઈ માધડે વૃદ્ધાના પુત્રને ફોન કરતા તેઓ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વૃદ્ધાના પુત્ર સાથે વાતચીત કરતા વૃદ્ધા તેમની સાથે શાપર વેરાવળ ખાતે રહે છે. અને વૃદ્ધા કોઈને કહ્યા વગર ઘરે થી જતા રહ્યા હોવાનું જણાવ્યું હતુ. ત્યારે વૃદ્ધા મળી આવતા પરિવારે શિવમ સાર્વજનીક ટ્રસ્ટના સભ્યોનો અને સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માની રાત્રીના 12 વાગ્યે વૃદ્ધ માજીનું પરિવાર સાથે મિલન કરાવતા હાશકારો અનુભવ્યો હતો.