રાજકોટમાં પત્નીની સારવાર માટે આવેલા ભંડુરી ગામના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે માળીયાહાટીના ભંડુરી ગામના વૃદ્ધ પત્નીને કેન્સરની સારવાર માટે રાજકોટ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. જ્યારે રાજકોટમાં જ નાના માવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા આધેડનું પણ હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે રહેતા લાખાભાઈ દાનાભાઈ રાઠોડ નામના 63 વર્ષના વૃદ્ધ રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં લાખાભાઈ રાઠોડને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. અને લાખાભાઈ રાઠોડ નિવૃત્ત રેલવે કર્મચારી હતા. લાખાભાઈ રાઠોડ પત્નીને કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં નાના મવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા રાજેન્દ્રભાઈ વિનુભાઈ પરમાર નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બે વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.