For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાશિવરાત્રી મેળામાં ઘુઘવ્યો ભક્તિ અને આધ્યાત્મિકતાનો મહાસાગર

11:58 AM Mar 07, 2024 IST | Bhumika
મહાશિવરાત્રી મેળામાં ઘુઘવ્યો ભક્તિ અને આધ્યાત્મિકતાનો મહાસાગર
  • ભવનાથ ક્ષેત્રમાં હર હર મહાદેવના નાદ સાથે જામ્યો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
  • મેળો માણવા લાખોની સંખ્યામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ ભવનાથ તીર્થ ક્ષેત્ર તરફ

જૂનાગઢની ગિરનારના સાનિધ્યમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગઈકાલ તા. 05 માર્ચ મંગળવારથી શરૂૂ થયેલા મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ છે.હજુ બે દિવસ એટલેકે મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં યાત્રિકો નો પ્રવાહ જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્ર તરફ આવી રહ્યો છે. ભવનાથક્ષેત્રમાં ઉમટી પડેલા માનવ મહેરામણનો અદભુત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ રહ્યો છે મેળામાં આવેલા ભાવિકોની સુરક્ષા માટે પોલીસ પણ ડ્રોન અને સીસીટીવીથી ગુનેગારોને સતત શોધતી ચાંપતી નજર રાખી રહી છે. મહાશિવરાત્રિના મહામેળાનો મંગળવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

Advertisement

આજે મેળાના બીજા દિવસે ભવનાથ ક્ષેત્રમાં લાખો ની સંખ્યા માં માનવમહેરાણમ ઉમટી પડ્યું હતું. મંગળવારે જૂના અખાડાના સંરક્ષણ મંત્રી તેમજ ભવનાથ મંદિર ના મહંત હરિગિરિ બાપુ, ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં વિધિવત્ રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચાર દિવસીય મેળામાં લાખો લોકો પહોંચશે. શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ મેળાને પુર્ણ જાહેર કરવામાં આવે છે. મંગળવારથી શરૂૂ થયેલા મહાશિવરાત્રિના મેળામાં દિગંમ્બર સાધુઓ પોતાની ધૂણીઓ ધખાવી ચૂક્યા છે.બીજી તરફ મેળાને માણવા દૂર દૂરથી આવેલા ભાવિકો માટે સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. અહીં આવતા ભાવિકો માટે ભક્તિની સાથે ભોજન અને ભજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાવિકો માટે ઠેર ઠેર લગભગ 250 જેટલા અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. તો સાથે રાત પડતા જ સાહિત્ય સભર લોકડાયરાની રંગત પણ જામે છે.

મહાશિવરાત્રિનો તહેવારએ મનુષ્યને પાપ, અન્યાય અને દુરાચારથી દૂર રાખી પવિત્ર અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવરાત્રિ એ મૃત્યુ લોક માટે મહત્વ પૂર્ણ અને ધાર્મિક તહેવાર છે. આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા આરાધના કરે છે. કલ્યાણકારી અને મોક્ષ અર્પણ કરનાર તહેવાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના પૂજનમાં શિવલિંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેનો અર્થ પ્રકૃતિની તમામ યોનિઓની સમષ્ટિ સ્વરુપ છે. મહાશિવરાત્રી કાલની અભિવ્યક્તિ કરનારી એક માત્ર કાલ રાત્રિ છે, જે મનુષ્ય લોકના સર્વ પાપનો નાશ કરે છે.

Advertisement

સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી પ્રગટ થયેલ હળાહળ વિષનો પોતાના કંઠમાં સંગ્રહ કરી સંપૂર્ણ બ્રહ્માંડનું રક્ષણ કર્યું. ત્યારથી ભગવાન શિવજીને નીલ કંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલા તારકાસુરના વધનું નિમિત્ત બનેલા ભગવાન શિવ શંકરે માતા સતીને યજ્ઞકુંડની જ્વાળામાં ભષ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરી સમસ્ત લોકોમાં પોતાની સંહાર શક્તિનો પરિચય આપ્યો હતો.

મહાશિવરાત્રિ નામ પડવા પાછળ પણ ખૂબ જ રસપ્રદ કથા છે. શિવ પૂરણ મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ શંકર વર્ષમાં છ મહિના કૈલાસ પર્વત પર તપસ્યામાં લીન રહે છે, ત્યાર બાદ છ મહિના પૃથ્વી પર સ્મશાન ઘાટમાં રહે છે. ત્યાર બાદ મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિ એ કૈલાસ પર્વત પર પુન: આગમન થાય છે. આ મહાન દિવસ શિવભક્તોમાં મહા શિવરાત્રિ તરીકે ઓળખાય છે.

મહાશિવરાત્રિનું મહત્વ : શિવરાત્રિના દિવસે તમામ શિવ મંદિરો શણગારવામાં આવે છે, ત્રિપાંખીય બીલી પત્ર શિવલિંગ પર ચઢાવવામાં આવે છે, આસોપાલવ તેમજ આંબાના પાનથી તોરણ બનાવવામાં આવે છે અને શિવ મંદિરના દ્વાર પર બાંધવામાં આવે છે.દર વર્ષે મહાશિવરાત્રિ ખૂબ જ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને સાંજે પોતાની અનુકુળતા પ્રમાણે દૂધ મિશ્રિત શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. તેમજ શિવજીના વાહન નંદીનો પૂજન પણ કરવામાં આવે છે.

સાધુઓનું પિયર એવું જૂનાગઢ - ગિરનારમાં શિવરાત્રિ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાંથી સાધુ સંતો અને મહંતોનું શિવરાત્રીના દિવસે ગિરનાર પર આગમન થાય છે. શિવરાત્રિએ નીકળતી સાધુ-સંતોની રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.શિવરાત્રીના દિવસે ગંગા સ્નાનનું પણ મહત્વ છે. જન કલ્યાણ અર્થે પૃથ્વી પર આવતી ગંગાના તીવ્ર પ્રવાહને પોતાની જટામાં સમાવી ભગવાન શિવ શંકરે ધીરે ધીરે પૃથ્વી પર છોડી હતી. શિવરાત્રીના દિવસે સવારથી જ ભગવાન શિવના તમામ મંદિરોમાં મહાપૂજા શરુ થાય જાય છે. જેમાં ભગવાન શિવની મહા આરતી થાય છે. દૂધ અભિષેક કરવામાં આવે છે, તેમજ વિવધ ભોગ ચડાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં પૂજારી તેમજ કથાકાર દ્વારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવનો મહિમા તેમજ શિવ કથા સંભળાવવામાં આવે છે. પૃથ્વી પર વધતા દુરાચાર અને અન્યાયને દૂર કરવા ભગવાન શિવ શંકર વિવિધ અવતારે પૃથ્વી પર આવે છે તેમના વિવિધ અવતાર વિશે શ્રદ્ધાળુઓને માહિતગાર કરવામાં આવે છે.શિવજીના જટામાં હંમેશા બીજનો ચંદ્ર રહે છે, જે શાંતિનું પ્રતિક છે. મહાશિવરાત્રિના દિવસે જે લોકો મન લગાવીને ભગવાન શિવ શંકરની પૂજા કરે છે, તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.

ભવનાથ તીર્થક્ષેત્રમાં 250થી વધુ અન્નક્ષેત્રો ખાતે હરિહરની હાકલ
જૂનાગઢ ખાતે આજે ભવનાથ મહાદેવના મંદિર ખાતે ધ્વજ રોહન બાદ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ ઘોષિત કરાયો છે જ્ઞાતિ સમાજને ટ્રસ્ટ ના ઉતારા મંડળ દ્વારા મેળાના પ્રારંભેસુ ભવનાથના સુદર્શન તળાવના પવિત્ર પાણીથી ભવનાથ દાદાને અભિષેક કરવામાં આવ્યો. હતો બાદમાં આ તળાવનું પવિત્ર પાણી પ્રસાદીરૂૂપે તમામ ઉતારા મંડળો- અન્નક્ષેત્રોમાં આપી અન્નક્ષેત્રોને ધમધમતા કરવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ભવનાથ ખાતે આજથી મહા શિવરાત્રી 8 માર્ચ શુક્રવાર મધ્ય રાત્રી- સુધી મહા શિવરાત્રિનો મેળો યોજાનાર હોય અને મેળામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ ભાવિકો માટે મહત્વની ગણી શકાય તેવી ભોજનની સુવિધા ઉતરા મંડળો- અન્નક્ષેત્રોના સંચાલકો કરતા હોય છે. ત્યારે ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ મેળામાં આવતા લાખ્ખો ભાવિકો માટે ભાવતા ભોજનિયા પિરસવાની સેવા અન્નક્ષેત્રો અને વિવિધ ઉતારાઓ દ્વારા કરવામાં આવે છે. ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ બાદ વિધીવત રીતે મેળાનો પ્રારંભ થશે. મેળાના પ્રારંભ સાથે ઉતારા મંડળો.અન્નક્ષેત્રો પણ ધમધમતા થયા છે આજે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે પૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં આ તળાવના પવિત્ર જળથી ભવનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો.સાથે આ પવિત્ર જળને પ્રસાદીરૂૂપે તમામ ઉતારા-અન્નક્ષેત્રોમાં આપવામાં આવ્યુ હતુ સુદર્શન તળાવના જળની પ્રસાદીની સાથે અન્નક્ષેત્રો ધમધમતા થયા હતા. તેની સાથે ઉતારા મંડળના કાર્યાલયનો પણ આજથીજ પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં અંદાજીત 132 અને અન્ય 118 જેટલા મળી કુલ 250 કરતા વધુ સ્થળોએ અનશેત્રો યાત્રાળુઓને હરિહર ની સુવિધા આપી રહ્યા છે આજથી મેળા નો પ્રારંભ થતાં આ ઉતારા અને અન્નક્ષેત્રો ખાતે મોટી સંખ્યામાં લોકો ભાવતા ભોજન પ્રસાદી સ્વરૂૂપે લઈ રહ્યા છે.

મેળામાં 15 વ્યક્તિએ લીધો સંન્યાસ
ભવનાથ મેળા તરીકે પ્રચલિત મહા શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જૂનાગઢના મુચકુંદ ગુફા ખાતે 15 લોકોએ દીક્ષા રિવાજ (સંન્યાસ) માંથી પસાર થઈને સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હતો. દીક્ષા સમારોહનું સંચાલન મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે અત્યાર સુધીમાં 536 થી વધુ લોકોને દીક્ષા આપી છે. સંન્યાસીઓ હવે પંચ દશનમ જુના અખાડામાં સાધુ જીવન જીવશે. લાખો ભક્તો અને ઋષિઓની હાજરીથી ચિહ્નિત થયેલો, મેળો મહાશિવરાત્રિ પર તેની ટોચ પર પહોંચે છે, એવું માનવામાં આવે છે કે, તે રાત્રિ છે, જ્યારે ભગવાન શિવે તેમનું તાંડવ, વિનાશનું વૈશ્વિક નૃત્ય કર્યું હતું. મહાશિવરાત્રિ પર મધ્યરાત્રિની મહાપૂજા થાય છે, જ્યારે નાગા બાબાઓ હાથીઓ પર બેઠેલા હોય છે, આભૂષણોથી સજ્જ હોય છે, ધ્વજ વહન કરે છે અને શંખ, તુંગી અને તુરી સાથે પડઘો પાડતા અવાજો ઉત્પન્ન કરે છે. મેળામાં હાજરી આપતા પહેલા, ઘણા યાત્રાળુઓ ગિરનારની પવિત્ર ટેકરીઓની પરિક્રમા કરે છે, જે લગભગ 7 કિમીની યાત્રાને આવરી લે છે. આયોજકો મુલાકાતીઓને મફત ભોજન આપે છે, અને વિશિષ્ટ સ્ટોલ મૂર્તિઓ, અયોધ્યા અને મથુરાની રોઝરીઝ તેમજ આનંદદાયક મીઠાઈઓ વહેંચે છે. મધ્યરાત્રિની મહાશિવરાત્રિ વિધિ તરફ દોરી જતી સાંજે, નાગા બાબાઓ કુસ્તીના મેદાનમાં અથવા મંદિરની બાજુમાં આવેલા અખાડા પર એક ધાર્મિક વિધિ માટે ભેગા થાય છે, આજે પણ નાગા બાબાઓ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાતા પહેલા પવિત્ર મૃગી કુંડમાં ઔપચારિક સ્નાન કરે છે. મેળો પોતે જ એટલો પ્રાચીન મૂળનો છે કે, તેની ચોક્કસ શરૂૂઆત વિશે જાણી શકાય તેમ નથી. દેશના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને ગુજરાત અને પડોશી રાજસ્થાનના મારવાડથી ભક્તો, અસંખ્ય વર્ષોથી મેળામાં ભાગ લે છે. જ્યારે ઘણા ઉપસ્થિત લોકો વાઇબ્રન્ટ રંગોમાં પોશાક પહેરે છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના આહીરો અને મેર ખાસ કરીને અલગ દેખાય છે.

લોકસાહિત્યકાર, ભજનિક, હાસ્યકલાકાર છવાયા
મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંકૃતિક કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી જમાવટ કરી હતી. સાથે લોક સાહિત્યકાર સાઈરામ દવેએ હાસ્યરસથી શ્રોતાઓને તરબોળ કર્યા હતાં. આ સાથે કલાકારોએ મંચ પરથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર- જૂનાગઢનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેયર ગીતાબેન પરમારે ભાવિકોને મહાશિવરાત્રીના મેળાનો પણ લ્હાવો લેવાની સાથે પ્લાસ્ટિક ગિરનાર-જૂનાગઢ મુહિમમા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે હરિ ગીરીજી બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કરસનદાસ બાપુ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય સંજય કોરડિયા, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક નિવાસી કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી ભૂમી કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ નગરસેવક એભા કટારા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement