જેતપુર પાસેથી 390 બોટલ દારૂ અને 528 બોટલ બિયર ભરેલી ઈનોવા કાર પકડાઈ
જસદણ પાસેથી 514 બોટલ ભરેલી લક્ઝુરિયર્સ કાર પકડાઈ
રાજકોટ ગ્રામ્ય એલસીબીના જેતપુર અને જસદણ પાસે વિદેશી દારૂના બે દરોડા
જેતપુરમાંથી એલસીબીએ 390 બોટલ વિદેશી દારૂ અને 528 નંગ બિયર સહિત રૂા. 16.89 લાખના મુદ્દામાલ સાથે ઈનોવા કાર કબ્જે કરી છે. આ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરની શોધખોળ હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટના જસદણ કમળાપુર રોડ ઉપર ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે લક્ઝરીયસ કારમાંથી રૂા. 1.42 લાખના કિંમતની 514 બોટલ વિદેશી દારૂ ઝડપી લઈ રૂા. 8.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો કોણ લાવ્યું અને ક્યાં પહોંચાડવાનો હતો. તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.
જેતપુર નજીક એલસીબીની ટીમે વોચ ગોઠવી રબારીકાથી મેવાસા ગામ તરફ જતા રોડ ઉપરથી જીજે 1 કેવી 588 નંબરની ઈનોવા કારમાંથી વિદેશી દારૂની રૂા. 1.36 લાખની કિંમતની 390 બોટલ વિદેશી દારૂ અને 52,800ની કિંમતની 528 ટીન બિયર કબ્જે કરી કાર સહિત રૂા. 16.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં રાજકોટના જસદણ કમળાપુર રોડ ઉપર બરવાળાના પાટિયા નજીક ગ્રામ્ય એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કિયા સેલ્ટોસ કાર નંબર જીજે 18 બીએલ 2779 ત્યાંથી પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કારનો ચાલક આગળ કાર રેઢી મુકીને પોલીસ ત્યાં પહોંચે તેપૂર્વે જ ભાગી છુટ્યો હતો. આ મામલે એલસીબીની ટીમે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કારમાંથી રૂા. 1.42 લાખની કિંમતની 514 બોટલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ કાર સહિત રૂા. 8.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો આ લક્ઝરિયસ કારમાં કોણ લાવ્યું અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબતો ઉપર એલસીબીની ટીમે તપાસ કેન્દ્રીત કરી છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા સાથે પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એચ.સી. ગોહિલ સાથે સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, જિતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઈ બાવળિયા, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.