નેપાળી પરિવારની પાંચ વર્ષની માસૂમ બાળકી પર દરવાજો માથે પડતા મોત
શહેરના જામનગર રોડ પર નાગેશ્ર્વર સોસાયટી પાસે મણીભદ્ર એપાર્ટમેન્ટ પાર્કિંગના રમી રહેલી નેપાળી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકી પર લોંખડનો ભારેખમ દરવાજો માથે પડતા બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
વધુ વિગતો મુજબ, જામનગર રોડ પર આવેલી નાગેશ્ર્વર સોસાયટી પાસે મણીભદ્ર એપાર્ટમેન્ટમાં ચોકીદારી તેમજ મજુરી કરતા શંકરભાઇ રાયની એકની એક પાંચ વર્ષની દીકરી સ્વરા ગઇકાલે રાત્રીના સમયે પાર્કિંગમાં રમતી હતી ત્યારે લોંખડનો ભારે દરવાજો માથે પડતા સ્વરા દરવાજા નીચે દબાઇ ગઇ હતી અને તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા તેણી બેભાન થઇ ગઇ હતી.
જેથી આજુબાજુના લોકો તુરંત ત્યાં દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. ટી.ડી.જાડેજા અને સ્ટાફે જરૂરી કાગળો કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.