For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ટાણે ગુજરાત યુનિ.માં ગુજરાતની આબરૂને બટ્ટો લગાડતી ઘટના

11:51 AM Mar 18, 2024 IST | Bhumika
ચૂંટણી ટાણે ગુજરાત યુનિ માં ગુજરાતની આબરૂને બટ્ટો લગાડતી ઘટના
  • વિદેશી વિદ્યાર્થીઓ ઉપર ધર્મના નામે હુમલાના દિલ્હી સુધી પડઘા, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી
  • ગૃહમંત્રીએ તાબડતોબ પોલીસ અધિકારીઓની બેઠક યોજી, ત્રણ હુમલાખોરોની ધરપકડ, સાતની ઓળખ
  • ગુજરાત યુનિ.ના કો-ઓર્ડિનેટર, સિક્યુરિટી, હોસ્ટેલ વોર્ડન એસ્ટેટ વિભાગમાં રાતોરાત ફેરફાર

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી છાત્રો સાથે મારામારીની ઘટનાના રાષ્ટ્રીયકક્ષાએ ઘેરા પડઘા પાડતા સરકાર અને ગુજરાત યુનિ.નુ તંત્ર દોડતા થઇ ગયા છે અને આ ઘટનામાં તાબડતોબ હુમલાખોરો સામે ગુનો દાખલ કરી ત્રણ લોકોની ધરપકડ કરી લેવાઇ છે. આ ઘટનામાં દેશના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા આપવી પડે છે અને ગઇકાલે રવિવારે સવારમાં જ ગૃહમંત્રીએ તાબડતોબ પોલીસ અધિકારીઓની બેઠક યોજી ઘટનાની સમિક્ષા કરી હતી.

Advertisement

લોકસભાની ચૂંટણી સમયે જ ગુજરાતની આબરૂના ભડાકા કરતી આ ઘટનાથી સરકાર તબડતોબ એક્શનમાં આવી ગઇ છે અને જરૂરી પગલા ભરવાનું શરૂ કરેલ છે.બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં થયેલી મારામારી તથા તોડફોડ બાદ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના વિભાગના કો-ઓર્ડીનેટર, સિક્યુરિટી, હોસ્ટેલ વોર્ડન, એસ્ટેટ એન્જિનિયર સહિતના મુદ્દે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેનો તાત્કાલિક અસરથી અમલ પણ શરૂૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને વધુ સુવિધા તથા સિક્યુરિટી મળી રહે તે માટે જી-9 બ્લોક તથા ગુજરાત યુનિવર્સિટીના એનઆરઆઇ વિદ્યાર્થીઓ માટે એનઆરઆઇ હોસ્ટેલની ફાળવણી 3 દિવસમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટડી એબ્રોડ પ્રોગામના કો-ઓર્ડીનેટરને બદલીને નવા કો-ઓર્ડીનેટર તરીકે નીલમ પંચાલની નિમણૂક કરવામાં આવી છે અને આસિસ્ટન્ટ તરીકે ચાર્જ પાર્થ પાંચાલને સોંપવામાં આવ્યો છે. એનઆરઆઇ હોસ્ટેલમાં વોર્ડન તરીકે અશોક ચાવડા અને કો-ઓર્ડીનેટર તરીકે કપિલ કુમારને ચાર્જ આપવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ પ્રકારની હોસ્ટેલ છે, જેમાં એક સામાન્ય વિદ્યાર્થીઓ માટેની છે. બીજી હોસ્ટેલ વિદેશથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ માટેની છે જેમાં એક બ્લોક ફાળવવામાં આવે છે અને ત્રીજી હોસ્ટેલ એનઆરઆઇ હોસ્ટેલ છે. આજની ઘટના બાદ અત્યારના વિદ્યાર્થીઓને નવી બનાવેલી હોસ્ટેલમાં નવા બ્લોકમા ખસેડવામાં આવશે અને વિદેશી વિદ્યાર્થીઓને આગામી 3 દિવસમાં એનઆરઆઇ હોસ્ટેલની ફાળવણી કરવામાં આવશે.આજે જે હોસ્ટેલ મારામારી અને તોડફોડની ઘટના બની તે બ્લોક ખાલી કરાવી દેવામાં આવશે.

સિક્યુરિટી એજન્સીને હોસ્ટેલના તમામ બ્લોકમાં સલામતિની વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે એક્સ આર્મી-મેનની સઘન સિક્યુરિટી સાથે રાખવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી એસ્ટેટ વિભાગના કાર્યકારી એસ્ટેટ એન્જિનિયર તરીકેનો ચાર્જ ગજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફોરેન સ્ટુડન્ટ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવી જેમાં સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર, લીગલ સેલના આસિસ્ટન્ટ રજીસ્ટર તથા ગુજરાત યુનિવર્સિટીના લોકપાલની નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીના કેમ્પસમાં ગત શનિવારે રાત્રે ધર્મના નામે મારામારીની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી જેવી નામાંકિત યુનિવર્સિટીમાં ખેલાયુ ધાર્મિક દંગલ. વિદ્યાના ધામને કલંકિત કરનારી ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કેમ્પસ હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ અ બ્લોકના કેમ્પસ બહાર નમાઝ પઢી રહ્યા હતા. એ સમયે કેટલાક લોકોનું ટોળુ ત્યાં ઘુસી આવ્યુ અને અહીં જાહેરમાં નમાઝ કેમ પઢો છો એમ કહીને વિરોધ કર્યો. આ દરમિયાન નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ઊભા થઈ ટોળાના શખ્સો સાથે મારામારી કરી અને જોતજોતામાં ઘટનાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધુ.

આ ઘટના બાદ ટોળાએ જયશ્રી રામના નારા લગાવી વિદેશી વિદ્યાર્થીઓના રૂૂમમાં પણ તોડફોડ મચાવી, તેમનો તમામ સામાન વિખેરી નાખ્યો, તેમના લેપટોપ, એસી. ટેબલ, રૂૂમના બારી-બારણા, મ્યુઝિક સિસ્ટમ સહિતની તમામ વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યુ. ત્યાં સુધી કે તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું.ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી આ પ્રકારની ગેરવર્તણુકની વિદેશ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિવેદન જારી કર્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે.

આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. કમિશનરે જણાવ્યુ કે આ સમગ્ર વિવાદ જાહેરમાં નમાઝ પઢવાને લઈને શરૂૂ થયો હતો. જેમા કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ પઢતા અટકાવતા મામલો બિચક્યો હતો. મારામારીમાં જે બે વિદ્યાર્થીઓને વધુ ઈજા પહોંચી છે તે પૈકી એક તઝાકિસ્તાન અને એક શ્રીલંકાનો નાગરિક છે.

પોલીસે 9 ટીમ બનાવી
હાલ પોલીસે 9 ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પોલીસનો દાવો છે કે જલ્દી તેઓ આરોપીઓની ધરપકડ કરશે. ઈન્ચાર્જ ડીસીપીના જણાવ્યા મુજબ 25 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાતની ઓળખ થઇ છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ સેક્શન 143, 144, 147, 148, 149,427, 323, 324,337,447 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement