રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી; વધુ એક યુવાનનું મોત
ચાર દિવસથી તાવની બિમારીમાં સપડાયેલા યુવાને દમ તોડતા શ્રમિક પરિવાર શોકમગ્ન
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અનેક માનવ જિંદગી રોગચાળાના કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે નહેરુનગરમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા શ્રમિક યુવકનું તાવની બીમારી સબબ મોત નીપજ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નહેરુનગરમાં અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા રમેશ રામપાલભાઈ સોનકર નામનો 22 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો.
ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં તાવ ચડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. શ્રમિક યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશ સોનકર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. અને અહીં મજૂરી કામ અર્થે આવ્યો હતો. મૃતક યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.