ભાવનગરમાં ખૂની હુમલામાં ઘવાયેલા ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ દમ તોડયો
ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધા બાદ હાદાનગરમાં રહેતી એક મહિલા લોનના હપ્તા ભરતી ન હોય ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ નોટીસની બજવણી માટે જતાં ઉશ્કેરાઇ ગયેલા એક શખ્સે છરીથી હુમલો કરી ફાયનાન્સ કંપનીના કર્મચારીને પેટના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઇંજા પહોંચાડી હતી. દસ દિવસની સારવાર બાદ કર્મચારીનું મોત થતાં બોરતળાવ પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, તા.29 જુનના રોજ ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા વિવેકભાઇ દવેએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયામાં આરોપી તરીકે ગીરીશ છગનભાઇ ચૂડાસમા અને અન્ય એક અજાણ્યા શખ્સનું નામ જણાવ્યું હતું. ફરિયાદમાં જમાવ્યા પ્રમાણે ચંપાબહેન ગીરીશભાઇ ચૂડાસમાએ ફરિયાદીની કંપનીમાંથી સખીમંડળ દ્વારા રૂૂા.45000ની લોન લીધી હતી પરંતુ તેઓ હપ્તા ભરતા ન હતા. લોનના હપ્તા ભરવામાં ન આવતાં ગઇકાલે ફરિયાદી તેમજ ફાયનાન્સ કંપનીના કર્મચારી પંકજભાઇ, વિપુલભાઇ, પ્રિયાંશુભાઇ અને વિવેકભાઇ નોટીસની બજવણી માટે ગયા હતા.
આ સમયે ગીરીશ ચૂડાસમા (રહે.સત્યનારાયણ સોસાયટી, હાદાનગર) અને અન્ય એક શખ્સ બાઇક પર આવ્યાં હતા અને ગીરીશે કર્મચારીઓ સાથે ઝઘડો કરી આજે તમને મારી નાંખવાના છે એટલે લોન પુરી થઇ જાય તેમ છરીથી હુમલો કરી પંકજભાઇ જોષીને પેટના ભાગે છરી મારી દીધી હતી. બોરતળાવ પોલીસે આ બનાવ અંગે ગીરીશ ચૂડાસમા સામે ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી. દરમિયાનમાં ગંભીર રીતે ઘવાયેલા પંકજભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.જે દિવસે બનાવ બન્યો તે દિવસે પંકજભાઇ ગંભીર હતા હવે મોત થતા હત્યાની કલમ ઉમેરાઇ છે.