લોકમેળામાં આ વખતે ઈમરજન્સી કોરિડોર બનાવ્યો
આ વર્ષે 3ના બદલે પાંચ સ્થળે એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર મૂકવામાં આવશે: લે આઉટ પ્લાનમાં મેળાની ફરતે કોરિડોર મૂકવામાં આવ્યો : કાલ સાંજ સુધી ફોર્મ સ્વીકારાશે
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતા લોક મેળામાં આ વખતે વેપારીઓ અને યાંત્રિક રાઈડસના સંચાલકોમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ બે દિવસ ફોર્મ મેળવવા અને સ્વિકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને મેળામાં આવતાં લોકોની સુરક્ષા માટે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઈમરજન્સી કોરીડોર બનાવવામાં આવ્યો છે.
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ લોક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને મેળામાં આકરા નિયમો લાગુ કરવ્માં આવ્યા છે જેના કારણે રમકડાંના વેપારીઓ અને આઈસ્ક્રીમના ચોગઠાના વેપારીઓએ ફોર્મ ઉપાડવામાં અને ભરવામાં નિરૂત્સાહ બતાવ્યો છે.
લે આઉટ પ્લાન મુજબ 120 જેટલા રમકડાંના સ્ટોલ અને 11 આઈસ્ક્રીમના ચોગઠા રાખવામાં આવ્યા હતાં. જેની સામે જરૂરીયાત કરતાં ઓછા ફોર્મ આવતાં લોકમેળા સમિતિ દ્વારા વધુ બે દિવસ વેપારીઓને આખરી તક આપી ફોર્મ ઉપાડવાની અને સ્વિકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
બીજી બાજુ ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકમેળામાં આવતાં લાખો લોકોની સુરક્ષા માટે આ વખતે 30 ટકા જેટલા સ્ટોલ અને યાંત્રિક રાઈડસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે નવા લેઆઉટ મુજબ મેળાના મેદાન ફરતે ઈમરજન્સી કોરી ડોર બનાવવામાં આવ્યો છે. દર વર્ષે લોક મેળામાં ત્રણ એમ્બ્યુલન્સ અને ત્રણ ફાયર ફાઈટર રાખવામાં આવતાં હતાં. જેમાં આ વર્ષે વધારો કરીને પાંચ સ્થળે પાંચ એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર ફાઈટર ગોઠવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
આવતીકાલે સાંજે ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતાં હોય ત્યારબાદ 1લી ઓગસ્ટથી ડ્રો અને હરરાજી સહિતની કામગીરીઓ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લોકમેળા માટે સિકયોરિટી, મંડપ, જાહેરાત, સ્ટેજ સહિતના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.