અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં કાલે કલેક્ટરને આવેદન અપાશે
રિબડાના અમિત ખુટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ સામે ગુનો નોંધાયા બાદ આ મામલે રિબડા અને ગોંડલ જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં રાજકીય રંગ આવ્યો છે. માહોલ ગરમ થતાં હવે રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં આવતી કાલે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે અઢારે વરણને ભેગા થવા માટેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હમસબ સત્ય કે સાથ હૈ અને રાજદીપસિંહ રિબડાના સમર્થનના હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, અનિરુદ્ધસિીંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ખોટી ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં તમામ અઢારે વરણના ભાઈઓને જણાવવાનું કે, આવતી કાલે 7/5/2025ના રોજ કલેક્ટર ઓફિસ ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાનું છે.
અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં વાયરલ થયેલા મેેસેજમાં સવારે 9 વાગ્યે રિબડા મુકામે ભેગા થયા બાદ ત્યાંથી રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે સવારે 11 વાગ્યે આવેદનપત્ર માટે પહોંચવાનું હોવાનું મેસેજ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજદીપસિંહના સમર્થન સાથે આ રાજકીય ષડયંત્ર છે ગોંડલ અને ગુજરાતના ભાઈઓ અને બહેનો તથા મિત્રોનો અતુટ વિશ્ર્વાસ છે તે ક્યારેય તુટશે નહીં તેવો રાજદીપસિંહના નામથી આ મેસેજ વાયરલ થયો છે.