અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવાં પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી.આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. અને તેઓ બીજીવાર પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ અગાઉ તેઓ વર્ષ 2018થી 2021 દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.તેમની આ ફરીથી નિમણૂક કોંગ્રેસના સંગઠનને નવસંચાર આપવાનો સંકેત આપે છે.
બીજી તરફ તુષાર ચૌધરી યુવા નેતા તરીકે જાણીતા છે. તેઓ આદિવાસી સમાજના અગ્રણી ચહેરા છે અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમની આ નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસના અવાજને વધુ મજબૂતી મળશે અને આદિવાસી સમાજના મુદ્દાઓને યોગ્ય પ્લેટફોર્મ મળશે તેવી અપેક્ષા છે.