For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્ર્વેત ક્રાંતિની વાતો વચ્ચે દૂધના ઉત્પાદનમાં ગુજરાત ઘણું પાછળ

05:29 PM Aug 22, 2025 IST | Bhumika
શ્ર્વેત ક્રાંતિની વાતો વચ્ચે દૂધના ઉત્પાદનમાં ગુજરાત ઘણું પાછળ

રાજ્યમાં ગાયનું 96.86 અને ભેંસનું 82.15 લાખ ટન દૂધનું ઉત્પાદન

Advertisement

ગુજરાત શ્વેત ક્રાંતિ અને સહકારી ડેરી ઉદ્યોગમાં દેશભરમાં મોખરે છે તેવા દાવા થતા હોય છે પરંતુ ગાય-ભેંસ જેવા દૂધાળા પશુઓ દ્વારા રાજ્યભરમાં થતા દૂધ ઉત્પાદનના આંકડા અલગ ચિત્ર દર્શાવી રહ્યા છે. દેશના અનેક રાજ્ય ગુજરાત કરતા મિલ્ક પ્રોડક્શનમાં આગળ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દૂધાળા પશુઓની હાલની સંખ્યા જાહેર કરાઇ નથી ત્યારે તેની સંખ્યામાં વધારો થયો છે કે ઘટાડો તે સ્પષ્ટ થઇ રહ્યું નથી.

દેશના વિવિધ રાજ્યમાં દૂધના ઉત્પાદનના આંકડા તાજેતરમાં લોકસભામાં એક સવાલના જવાબમાં પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા અપાયા હતા. તે મુજબ દેશમાં 2023-24માં તમામ રાજ્યોનું મળીને ગાયના દૂધનું કુલ ઉત્પાદન 12,71,05,000.15 ટન થયું હતું. તો તમામ રાજ્યોનું મળીને ભેંસના દૂધનું કુલ ઉત્પાદન 10,43,88,000.29 ટન થયું હતું. જેમાં ગુજરાતમાં ગાયના દૂધનું 96.86 લાખ ટન અને ભેંસના દૂધનું 82.15 લાખ ટન ઉત્પાદન થયું હતું.

Advertisement

બીજી તરફ, રાજ્યનો પશુપાલન વિભાગ રાજ્યમાં દૂધાળા ઢોરની નસલ સુધારવા અનેક પ્રયાસ કરતો હોવાનો દાવો કરે છે. તો સહકારી ક્ષેત્ર થકી ગુજરાતમાં દૂધ વિપુલ માત્રામાં મેળવાતું હોવાનો દાવો કરાય છે. જો કે અન્ય રાજ્ય આ મામલે ગુજરાતથી આગળ છે. 2023-24 દરમિયાન જ કર્ણાટકમાં દૂધનું ઉત્પાદન 1 કરોડ ટન, મધ્ય પ્રદેશમાં 1 કરોડ ટન, મહારાષ્ટ્રમાં 1.03 કરોડ ટન, રાજસ્થાનમાં 1.48 કરોડ ટન, તામિલનાડુમાં 1 કરોડ ટન, ઉત્તર પ્રદેશમાં 1.31 કરોડ ટન જેટલું જંગી ઉત્પાદન થાય છે.

તો ભેંસના દૂધના ઉત્પાદનમાં મધ્ય પ્રદેશમાં 1 કરોડ ટન, રાજસ્થાનમાં 1.67 કરોડ ટન અને ઉત્તર પ્રદેશમાં 2.43 કરોડ ટન જેટલું વિક્રમી ઉત્પાદન થાય છે. આંધ્ર પ્રદેશ, પંજાબ અને પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ નોંધપાત્ર વિપુલ દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે. ગુજરાતમાં પશુપાલન વ્યવસાય અને દૂધ ઉત્પાદન મંડળીઓ અનેક જિલ્લામાં રોજગારી અને આવકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે સંજોગોમાં ગુજરાતમાં દૂધાળા પશુઓની સંખ્યા અને દૂધ ઉત્પાદન અન્ય રાજ્યની સાપેક્ષમાં શું સ્થિતિ છે તે બાબત મહત્ત્વની બની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement