અમરનાથ મંદિર વિવાદ: ખોટી ફરિયાદો કરનાર સામે કાર્યવાહી કરવા પી.ટી.જાડેજાની રજૂઆત
શહેરના સાઇ નગરમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરવા મામલે પી.ટી.જાડેજા અને અન્ય લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં પી.ટી.જાડેજા દ્વારા પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી ખોટી ફરિયાદો કરનાર મંત્રી અને સહમંત્રી સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. અમૂક શખ્સોની ચડામણીથી મંત્રી અને સહમંત્રી મંદિરના કામમાં અડચણ ઉભી કરી ભકતોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી. જાડેજા)એ રાજકોટના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે. જાડેજાએ આક્ષેપ કર્યો છે કે આ બંને વ્યક્તિઓએ ખોટા આવેદનો અને મીડિયા મારફતે સસ્તી પ્રસિદ્ધિ મેળવીને પોલીસને ગેરમાર્ગે દોરી છે. આ ઉપરાંત, તેમણે પોતાના પર દબાણ ઊભું કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવ્યું છે.મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ ગોહિલ, ચાંદલિવાળા હઠીસિંહ જાડેજા, જસ્મિન ઉર્ફે લાલો મકવાણા, શૈલેશ ડાંગર અને અન્ય દસ અજાણ્યા ઈસમો, જેઓ ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા નથી, તેમણે ગેરકાયદેસર મંડળી રચી હતી. આ લોકોએ ભક્તોને સ્પેશિયલ પૂજાના નામે 8,000 થી 10,000 ઉઘરાવીને આર્થિક લાભ મેળવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે પૂજારી અને ગોરાણીએ તેમને રોક્યા, ત્યારે આ લોકોએ ધમકીઓ આપીને ગાળાગાળી કરી અને મંદિર પરિસરમાં હથિયારો છુપાવીને ભયનો માહોલ ઊભો કર્યો.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે જાડેજાએ દરમિયાનગીરી કરી, ત્યારે આરોપીઓએ અર્જુનભાઈ લખવાણી અને હસુભાઈ કારેલીયા સાથે મળીને મીડિયામાં ખોટા અહેવાલો ફેલાવ્યા હતા. અને આ લોકોએ રાજકીય અને પોલીસની લાગવગનો ઉપયોગ કરીને તેમના વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને પાસા હેઠળ ગેરકાયદેસર રીતે અટકાયત કરાવી હતી. જેમાં કાનુની લડત બાદ તેમને પાસા મુકત કરવામાં આવ્યા હતા. આ અસામાજિક તત્વો વિરૂદ્ધ અગાઉ તેમણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવા છતા કોઇ કાર્યવાહી કરના બદલે આરોપીઓને છાવરીયાનો આક્ષેપ કર્યો હતો. આ ગુનાની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે અને તટસ્થ તપાસ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી છે.