ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલો

10:44 AM May 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સ્પોર્ટ્સની સાથે સાથે રેડ હોય, ડિમોલિશન હોય, દારૂની રેડ હોય કે પછી લવજેહાદના કિસ્સા નેહલબેન મકવાણા હર હંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે

Advertisement

નેહલબેન મકવાણાએ લિગામેન્ટની તકલીફના કારણે એથ્લેટિક્સ છોડી શૂટિંગ અપનાવ્યું છતાં તેમાં પણ થાય છે મેડલોનો વરસાદ

2021ના વર્ષની વાત છે રાજકોટમાં બહારગામથી આવીને ગેરકાયદેસર રીતે એક ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરી આપતો. દીકરી હોય તો ગર્ભપાત પણ કરી આપે, પરંતુ અલગ અલગ જગ્યાએ અને લોકોના ઘરે જઈને આ પ્રવૃત્તિ કરવાના કારણે પોલીસ પકડથી દૂર રહેતો હતો. આ સમયે ફરજ પરના એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે એક નાટક ઊભું કરી આ ડોક્ટરને ઝડપી લેવા બીડું ઝડપ્યું.એક પ્રેગ્નેન્ટ લેડી જે સાથે કામ કરતા તેને ભાભી બનાવ્યા.ગર્ભમાં દીકરી છે એટલે તે ડોક્ટરની મદદ જોઈએ છે એમ સમજાવી વિશ્વાસ ઉભો કર્યો.

શરૂૂઆતમાં આનાકાની બાદ ડોક્ટર અને તેની ટીમ તૈયાર થઈ. નક્કી કરેલા ઘર અને એડ્રેસ પર ડોક્ટર તેના માણસો સાથે આવ્યા. થોડીવાર વાતચીત થઈ, ચા-પાણી પીધા અને એ દરમિયાન જ ઘરમાં છુપાયેલ પોલીસ ટીમ પ્રગટ થઇ અને પુરાવા સમેત પકડી પાડ્યા. આ આખી ફેક સ્ટોરી બનાવી ડોક્ટરને પકડી પાડવામાં મુખ્ય સૂત્રધાર હતા પોલીસ કોન્સ્ટેબલ નેહલબેન મકવાણા. જેમણે પોતાની સૂઝ, બૂઝ અને જીવ જોખમમાં મૂકી ફરજ નિભાવી.હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પોતાની ફરજ બજાવનાર નેહલબેને અન્ય અધિકારીઓ સાથે અનેક ગુનેગારોને પકડી પાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.આ સાથે તેઓએ રમતગમતમાં અનેક મેડલ મેળવી રાજકોટ પોલીસનું નામ રોશન કરી રહ્યા છે.તાજેતરમાં શૂટિંગમાં નેશનલ લેવલે ક્વોલિફાઇડ થયા છે અને ડિસેમ્બરમાં નેશનલ ગેમ રમવા જશે.

તેઓનો જન્મ જામનગર ખાતે અને અભ્યાસ રાજકોટમાં થયો.અભ્યાસ દરમિયાન જ સ્પોર્ટ્સમાં ખૂબ રસ હતો. રમત-ગમત ઉપરાંત એનસીસી જેવી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતા.પોતે જ્યારે પ્રેક્ટિસ કરતા ત્યારે ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની તૈયારી કરતા લોકો રનિંગ માટે આવતા ત્યારે તેમને પણ પોલીસ વિભાગમાં જોડાવા અને ખાખી રંગના યુનિફોર્મમાં રસ પડ્યો. 2016 પોલીસ ભરતીમાં પાસ થયા પરંતુ ભણવાનું ચાલુ હોવાથી 2017માં ફરી પરીક્ષા આપી પાસ થયા અને એ જ વર્ષે નેશનલ ગેમ રમ્યા બાદ પોલીસમાં જોડાયા. પ્રારંભના દિવસોમાં સાડા ત્રણ વર્ષ ટ્રાફિક પોલીસમાં કામ કર્યું.અહીં પણ તેમની રમત ગમતની પ્રવૃત્તિ ચાલુ જ હતી.એથ્લેટિક્સમાં લોન્ગ જમ્પ, હાઈ જમ્પ ટ્રિપલ રન વગેરેમાં તેમની માસ્ટરી હતી.કોઈ પણ સ્પર્ધા એવી નહોતી કે જેમાં તેમને મેડલ ન મળ્યો હોય.

સ્પોર્ટ્સ પ્રત્યે તેઓને એક અદમ્ય આકર્ષણ રહેતું. આ બાબત તેઓએ જણાવ્યું કે, પોલીસમાં જોડાયા બાદ પણ રમતગમતમાં ધ્યાન આપી શકું,પ્રેક્ટિસ કરી શકું તે માટે ચોક્કસ કલાકની ડ્યૂટી હોય એવી જગ્યાએ કામ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ પાસેથી અનુમતિ માંગી હતી.જેમાં તેઓએ ખૂબ સારો સહકાર આપ્યો. માલવિયાનગર અને ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચમાં કામગીરી સ્વીકારી. ફરજની સાથે સાથે ટૂર્નામેન્ટ પણ ચાલુ હોય છે. એથ્લેટિક્સમાં ચાર વખત નેશનલ લેવલ સુધી તેમજ અનેક વખત સ્ટેટ લેવલ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મળ્યા. આ દરમિયાન લિગામેન્ટની તકલીફ થઈ. સ્પોર્ટ્સ છોડવાને બદલે પિસ્ટલ શૂટિંગ જેવી રમત અપનાવી અને તેમાં પણ નેશનલ લેવલ સુધી પહોંચી. હાઈ જમ્પમાં 40 વર્ષ પહેલાંનો રેકોર્ડ પણ તોડ્યો છે. કોઈપણ કામ કરો ત્યારે મુશ્કેલી આવશે પરંતુ તેનાથી હારવાનું નથી.

જુગારની રેડ હોય, ડિમોલિશન હોય, દારૂૂની રેડ હોય કે પછી લવજેહાદના કિસ્સા, નેહલબેન હર હંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે.કોલેજના સમયને યાદ કરતા તેઓ જણાવે છે કે, સવારે 8:00 થી 12 કોલેજ, 12 વાગ્યાથી 5 સુધી એનસીસી અને પાંચથી રાત્રે 8 સુધી ફરી પ્રેક્ટિસ કરતી. દિવસ ક્યાં જતો રહેતો ખબર ન પડતી.રમત માટે બહારગામ જવાનું બનતું તેથી અનેક વખત લોકો ટીકા પણ કરતા, છતાં એ બધાનો સામનો કરીને ફક્ત કામ પર જ ફોકસ કરતી.આજે હું જે જગ્યા પર છું તેમાં સૌથી વધુ મારી માતાનો સાથ તેમજ પરિવારજનોનો સહકાર જવાબદાર છે તેમજ મારા સહકર્મચારીઓ,ઉપરી અધિકારીઓ બધાનો ખૂબ સપોર્ટ છે.

ઓપન ગુજરાત સ્ટેટ કોમ્પિટિશનમાં પ્રથમ, ગોવામાં 2024માં ઓપન નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા, ભોપાલમાં 10 મીટર ઓપન નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીત્યા પૂનામાં 2014માં ઓપન નેશનલ ગેમ જીત્યા ઇન્દોરમાં તેમજ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી પટિયાલા ખાતે જીત્યા આમ એથ્લેટિક્સ હોય કે શૂટિંગ તેઓ બધી જ સ્પર્ધામાં વિજેતા બનીને રાજકોટ પોલીસનું ગૌરવ વધાર્યું છે.મેડલ મળે કે માન- સન્માન મળે નેહલબેનને કંઈ જ સ્પર્શતું નથી.અત્યાર સુધી મળેલ મેડલ,જીતના ફોટા કે તેની યાદગીરીને તેઓ મહત્ત્વ આપતા નથી તેઓ માને છે કે આ તેમની ફરજનો એક ભાગ છે.તેઓની આટલી જીત બાદ હજુ પણ સ્પોર્ટ્સમાં એટલે કે શૂટિંગમાં તેઓ પ્રવૃત રહેશે કારણકે તેઓનું સ્વપ્ન શૂટિંગમાં ઓલિમ્પિક સ્પર્ધા જીતવાનું છે.નેહલબેન મકવાણાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Written By: Bhavna Doshi

Tags :
gujaratgujarat newspoliceUDAN
Advertisement
Advertisement