ધ્રોલમાં જરૂરિયાતમંદના બદલે ભાજપના મળતિયાઓને આવાસ ફાળવ્યાનો આક્ષેપ
જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને નગરપાલિકાના અનિયમિત વહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ધ્રોલ નગરપાલિકામાં સફાઈ, પાણી પુરવઠો, આરોગ્ય સુવિધાઓ, આવાસ યોજના વગેરેમાં અનેક ગંભીર ખામીઓ છે.
રાઠોડે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ધ્રોલ શહેરમાં વોર્ડ વાઇઝ સફાઈ, પાણી પુરવઠો અને રખડતા ઢોરની સમસ્યા હજુ પણ ગંભીર છે. સ્થાનિક લેવલે અર્બન હેલ્થ સેન્ટરની હોસ્પિટલ બંધ છે. સૌની યોજના હેઠળ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને ઘણા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવી નથી. ધ્રોલ શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફની સમસ્યા છે અને આવાસ યોજના હેઠળ ગરીબોને બદલે ભાજપના મળતિયાઓને આવાસો ફાળવવામાં આવ્યા છે.
રાઠોડે આગળ જણાવ્યું કે, ધ્રોલ શહેરમાં જાહેર સ્થળો ઉપર શૌચાલયની વ્યવસ્થા નથી અને શાસક પક્ષના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં સ્ટાફની અછત છે જેના કારણે બાળકોનું શિક્ષણ ખરડાઈ રહ્યું છે.
રાઠોડે ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અને લોકોને ન્યાય અપાવવા માટે રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ધ્રોલ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.