રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશ
રાજયના આરોગ્ય વિભાગે તબીબી શિક્ષણ હેઠળની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની રચના તા.1/10/2013 થી કરવામાં આવી હતી જેમાં જીલ્લાના બે ધારાસભ્ય પૈકી એક શહેરી અને એક ગ્રામ્ય વિસ્તારમાંથી સરકાર નકકી કરે તે બે વર્ષની મુદ્દત માટે નિમણુંક આપવામાં આવતી હતી.
આરોગ્ય ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ધારાસભ્યોએ રાજયના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સમક્ષ રજુ કરેલા તર્કમાં જીલ્લાની સરકારી હોસ્પિટલોમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના આર્થિક નબળી સ્થિતીના ગરીબ દર્દીઓને સ્પર્શતી વેદનાઓ સહીતના પ્રશ્નો, હોસ્પિટલમાં ખુટતી સુવિધાઓની ચર્ચા રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં થાય તેવા હેતુસર રાજકોટ જીલ્લાના તમામ ધારાસભ્યોનો રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સમાવેશ કરવા રજુઆત કરી હતી.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજુ થયેલી વિસ્તૃત વિગતોને ધ્યાને લઈ માત્ર રાજકોટ નહી રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર ખાતે આવેલ સરકારી હોસ્પિટલોમાં શહેર અને જીલ્લાના તમામ ધારાસભ્યો અને સંસદભ્યોનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણ લેવામાં આવેલ છે.