બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ત્રણ ગુજરાતી સહિત 26 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કેટલાક નાગરિકો જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા. જે અટવાઇ ગયા છે. રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા બે પરિણીત યુગલો શ્રીનગરમાં અટવાઈ ગયા છે. જો કે, હાલ તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના સહેલાણી રુચિ નકુમે જણાવ્યું છેકે, હું મારા ફેમેલી સાથે અહીં જમ્મુ-કાશ્મીર ફરવા માટે આવી છું. અમે અત્યારે શ્રીનગર રોકાયા છીએ. અહીં ફસાઇ ગયા છીએ. કારણ કે, અહીંથી ક્યાંય નીકળી શકતા નથી. બધા રસ્તા બંધ છે. ફ્લાઇટ પણ નથી મળી રહી. તેમાં વેઇટિંગ છે. તેમજ ફ્લાઇટનું ભાડું પણ ઘણું છે. જે 25થી 30 હજાર રૂૂપિયા છે. બીજો કોઇ રસ્તો નથી કે અમે અહીથી બહાર નીકળી શકીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે અત્યારે અહીં સુરક્ષિત છીએ. બહાર પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે ખૂબ ગભરાયેલા છીએ. પરિવારજનો પણ તેમની સલામતી માટે ચિંતિત છે. હાલ સુરક્ષિત સ્થળે છીએ અને વતન પરત ફરવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છીએ. અમે વડાપ્રધાન મોદીને વિનંતી કરીએ છીએ કે જે લોકો સાથે આવું બન્યુ છે તેમને ન્યાય અપાવજો. આવા કૃત્ય કરનાર તમામ ગુનેગારોને સખત સજા મળવી જોઈએ.