સોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ એલર્ટ, સુરક્ષા વધારાઇ
અંબાજીમાં સ્નાઇપર ટીમ સ્ટેન્ડબાય, એસઓજીની અને ક્વિક રીસ્પોન્સ ટીમ મંદિરમાં જ તૈહનાત રહેશે
તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવા સુચના: સોમનાથ-દ્વારકાના દરિયા કિનારે હાઇ એલર્ટ
રેલવે સ્ટેશન, એરપોર્ટ પર આવતા પેસેન્જરોની તપાસ કરાશે, સંવેદનશીલ વિસ્તારમાં તંત્રની નજર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમા આંતકવાદી હુમલો કરવામા આવ્યો છે. તેમા 25 થી વધારે પ્રવાસીઓનાં મોત થયા છે આ હુમલાને લઇને ગુજરાતમા સોમનાથ - દ્વારકા, અંબાજી, પાવાગઢ સહીતનાં ધાર્મિક સ્થળોની સુરક્ષામા વધારો કરી દેવામા આવ્યો છે અને સોમનાથ-દ્વારકા જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી ત્યા સરકાર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે તેમજ ધાર્મિક સ્થળોએ સૈન્યની અર્ધ ટુકડીઓ પણ ઉતારી દેવામા આવી છે .
બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રીસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે જ્યારે કોઇ અનિચ્છની બનાવ ન બને માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.
સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. ક્રાઇમ બ્રાંચે, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ ભેદી ગતિવિધિઓ ઉપર નજર રાખી રહી છે.
પોલીસ તેમજ એજન્સીઓ સોશિયલ મીડિયા પર વોચ રાખીને બેઠા છે. કેટલાક વિધ્નસં તોષીઓ સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ કે પોસ્ટ અપલોડ કરી શકે છે. જેના કારણે શહેરની શાંતિ ડહોળાય તેવી શક્યતા છે. જો કોઇપણ વ્યક્તિ શાંતિ ડહોળે તેવી પોસ્ટ અપલોડ કરે તો પોલીસ સીધો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરશે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર આ એલર્ટના પગલે બીજા રાજ્યોથી આવતા લોકોના સામાનની તપાસ કરવામાં આવશે. રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ પર આવતા પેસેન્જરોની તપાસ થશે. જે પેસેન્જરોની ગતિવિધિ શંકાસ્પદ લાગશે તેમની તપાસ કરાશે. રેલવે સ્ટેશન પર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની ટીમો પણ એલર્ટ થઇ ગઇ છે. બહારના રાજ્યોથી આવતી ટ્રેનમાં મુસાફરોના સામાનનું ચેંકીગ કરવામાં આવી રહ્યું છે.
સંવેદનશીલ વિસ્તારોમાં સૌથી વધુ બંદોબસ્ત ગોઠવાયો
આતંકી હુમલાના સંકટ વચ્ચે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં શાંતિ જળવાઇ રહે તે માટે ગાંધીનગર ખાતે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય તેવું આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. ગુજરાતના સંવેદનશીલ ગણાતા વિસ્તારો કે જ્યાં છાશવારે કોમી છમકલું થાય તેવા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.