આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ
હાલમાં 190 કયુસેકનો ઇનફ્લો છે: જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ
તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે છલકાવાનું શરૂૂ થયું હતું. રાજકોટને પીવાનું પાણી પુરૂૂ પાડતો આજી-1 ડેમ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આનંદના આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, સિટી એન્જી. કે.પી. દેથરીયા સહિતના મહાનુભાવો-અધિકારીઓ આજે આજી-1 ડેમની મુલાકાતે ગયા હતા અને નવા નીરના વધામણાં કરી હરખ વ્યક્ત કર્યો હતો.
એ નોંધનીય બનશે કે, આજી-1 ડેમ 1954માં ઇરીગેશન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. જેની સપાટી 29 ફૂટ છે અને સંગ્રહ ક્ષમતા 917 એમ.સી.એફ.ટી છે. આજી-1 ડેમ 21મી વાર ઓવરફ્લો થયેલ છે. ગત વર્ષ ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી વધુમાં વધુ વર્ષ 2024માં 2.85 ફૂટનો ઓવર ફ્લો થવા પામેલ. હાલમાં 190 ક્યુસેકનો ઇનફલો છે જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ છે.