એઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં રહેતી અને એમ્સ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતી છત્તીસગઢની છાત્રાએ તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબીબી છાત્રાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી પીજી હોસ્ટેલમાં રહેતી અને એઇમ્સ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતી 22 વર્ષીય તબીબી છાત્રા પીજી હોસ્ટેલમાં રૂૂમ નં.404 માં હતી ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર તબીબી છાત્રાનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર છાત્રા મૂળ છત્તીસગઢની વતની છે અને હાલ જામનગર રોડ ઉપર પીજી હોસ્ટેલમાં રહી એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તેના તબીબ બોયફ્રેન્ડ સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થયા બાદ તબીબી છાત્રાએ 181 મહિલા હેલ્પલાઇનની ટીમની મદદ માંગી હતી પરંતુ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચે તે પૂર્વે જ તબીબી છાત્રાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.