અમદાવાદથી અયોધ્યા ‘આસ્થા’ ટ્રેનનો પ્રારંભ
જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું સાબરમતી રેલવે સ્ટેશન
અયોધ્યામાં ઐતિહાસિક અને ભવ્ય રામ મંદિરની જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે દૈનિક ધોરણે ભારે જનમેદની ઉમટી રહી છે. અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ થી અયોધ્યા સુધીની ડાયરેક્ટ આસ્થા ટ્રેનની શરૂૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે સાબરમતી રેલવે સ્ટેશન પરથી આસ્થા ટ્રેનને લીલીઝંડી બતાવવામાં આવી હતી. આસ્થા ટ્રેન અમદાવાદથી અયોધ્યા જંકશન સુધી જશે. આથી, અયોધ્યા જતા લોકો માટે આ ટ્રેન ખૂબ જ સુવિધાજનક રહેશે. આસ્થા ટ્રેનના પ્રારંભ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય કેટલાક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. માહિતી મુજબ, આસ્થા ટ્રેનમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. આ ટ્રેનમાં મુસાફરોને પાણી, નાસ્તો, ભોજન, સ્વાસ્થ્ય, સુરક્ષા, મુસાફરી કીટ સહિતની સુવિધા મળશે.
આસ્થા ટ્રેનની શરૂૂઆતને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી લખ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટિ કોટિ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શને જવા આતુર બન્યા છે. રામભક્તોને અયોધ્યાજી દર્શને લઈ જતી સ્પેશ્યલ ટ્રેનને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઑફ કરાવ્યું. સૌ શ્રદ્ધાળુઓને સુખમય યાત્રાની શુભકામનાઓ. જય શ્રીરામ.