અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું હબ બન્યું
- એક વર્ષમાં 100 કિલો સોનું ઝડપાયું, ફેબ્રુઆરીમાં જ 25 કિલો સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે રીતે મુસાફરોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. તેવી જ રીતે હાલ દાણચોરોની સંખ્યા પણ વધી રહી છે. સોનાના ભાવમાં સતત વધારો થતાં દાણચોરીનું પ્રમાણ પણ સતત વધતું જઇ રહ્યું છે. દેશભરના દાણચોરોની સિન્ડિકેટ પોતાના પેડલરોને અખાતી દેશોમાં મોકલી સોનાની દાણચોરી કરાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી 100 કિલો દાણચોરીનું સોનું ઝડપાયું છે જ્યારે માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ 25 કિલો દાણચોરીનું સોનું ઝડપાયું હતું.
હવે આ દાણચોરોને ઝ઼ડપી લેવા માટે કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.અખાતી દેશોથી આવી રહેલી ફ્લાઇટમાં કેટલાક મુસાફરો સોનું લઇને આવી રહ્યા છે તેવી બાતમીને આધારે કસ્ટસ્મસના અધિકારીઓ તપાસ શરૂૂ કરી અને ચાલાક મુસાફરે સોનાનો ભુકો બનાવી તે પ્લાસ્ટિકની ડીશમાં છૂપાવ્યો હતો. તપાસ દરમિયાન દાણચોરીનું પાંચ કિલો સોનું મળી આવ્યું. જ્યારે આ પેડલરો વારંવાર દુબઇ જતાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ અધિકારીઓએ આવા 20 પેડલરોને ઝડપી લઇ તેમની પાસેથી 25 કિલો દાણચોરીનું સોનું કબજે લીધું હતું. હવે આ તમામ લોકોની પણ તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા સ્મગલરોની સિન્ડિકેટના મુખ્ય માણસો સુધી પહોંચવાની કવાયત ચાલી રહી છે. ઘણી વિગતો મળી રહી છે, પરંતુ સોનાની દાણચોરીમાં ઘણા મોટા લોકોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું પ્રમાણ વધતાં કસ્ટમના ટ્રેઇન્ડ અધિકારીઓને ખાસ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે. તેઓએ હવે શંકાસ્પદ મુસાફરો ઉપર વોચ રાખશે. જે લોકો અગાઉ ઝડપાયેલા છે, તેમના ફૂટેજ પણ અધિકારીઓેને બતાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ દાણચોરો કેવી રીતે સોનાની દાણચોરી કરતા હતા તે તમામ મોડેસ ઓપરેન્ડીની વિગતો પણ અધિકારીઓે આપવામાં આવી છે.