હોળી પહેલા તેલના ભાવમાં ભડકો, 110થી 140નો ભાવ વધારો
- સટ્ટાકીય ભાવ વધારાથી આમ આદમીનું બજેટ ખોરવાશે
હોળી પહેલા ગુજરાતના નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે. હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. આ સાથે જ રાજકોટમાં આજે ખૂલતા બજારે સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાંખ્યો હોવાનું અનુમાન છે.
ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે.
હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ગુજરાતમાં હંમેશા તહેવારો પહેલા જ તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. જેથી લોકોનો તહેવાર બગડે છે. આ વખતે પણ હોળી પહેલા સીંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે.