પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની મુલાકાત
નુકસાની અંગે જાત માહિતી મેળવી, ગ્રામજનો સાથે બેઠક યોજી
પોરબંદર જિલ્લામાં ગત મહિને પડેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું હતું. જેને કારણે ખેડૂતોએ પાક નુકશાનું વળતર આપવાની માગ કરી હતી. રાજકીય આગેવાનોએ પાક નુકશાની અંગે સર્વે કરી અને વળતર આપવા અંગે સરકારમાં રજૂઆત કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સૌપ્રથમ કુતિયાણા નજીક ભોડદર ગામની મુલાકાત લીધી હતી. ભોડદર ગામે તેઓએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ગ્રામજનોના પ્રશ્નોને પણ સાંભળ્યા હતા. ત્યાર બાદ તેઓએ અમીપુર ગામ ખાતે ખેડૂતો સાથે બેઠક યોજી ચોમાસા દરમિયાન અતિભારે વરસાદમાં સર્જાયેલ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ મંડેર ગામ ખાતે પણ ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી.
અતિ ભારે પડેલ વરસાદના કારણે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં સર્જાયેલ પરિસ્થિતિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ખેડૂતોને થયેલ જમીનનું ધોવાણ પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પૂરી કરી ચૂકવવામાં આવે તેની ખાતરી આપી હતી. ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિમાં પાણી ભરાયા હોવાના કારણે ખેડૂતોને મદદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તેવું આયોજન કરાયું છે. પોરબંદરના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ અતિ ભારે પડેલ વરસાદના કારણે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઘેડ પંથકમાં પ્રતિવર્ષે સર્જાતી ચોમાસા દરમિયાનની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય તેવું આયોજન કરવા સૂચના આપી છે. વિવિઘ વિભાગ દ્વારા તેનું સંકલન થઈ રહ્યું છે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.