જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને સોલિડારીડાડનો કરાર: ખેડૂતોને મળશે વિશેષ લાભ
ડેમો, પ્લોટ દ્વારા નવી ખેતી પદ્ધતિઓ દર્શાવાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને સોલિડારીડાડ સંસ્થા વચ્ચે થયેલા કરારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 27 ગામોના ખેડૂતોને ખેતીના ક્ષેત્રે નવા આયામો મળશે. સોલિડારીડાડ સંસ્થા ન્યારા એનર્જીના સી.એસ.આર. વિભાગના સહયોગથી ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ આ વિસ્તારમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા મગફળી અને કપાસના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનનું પૃથુકરણ, ન્યુટ્રીશન મેનેજમેન્ટ, ઓછું ખેડાણ, સારી ગુણવત્તાના બિયારણ, પેકેજ ઓફ પ્રેક્ટિસ, મિશ્ર પાક, આંતરપાક, જમીન આચ્છાદાન, જૈવ વિવિધતા, પાણી સંગ્રહ, જળ વ્યવસ્થાપન, પશુપાલન, પર્યાવરણ, શાકભાજીના વાળા અને મહિલા વિકાસ જેવા વિવિધ કાર્યો કરી રહી છે.
હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથેના કરારથી આ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન આપશે, નવા સંશોધનના લાભો પહોંચાડશે અને ડેમો પ્લોટ દ્વારા નવી ખેતી પદ્ધતિઓ દર્શાવશે. આ સાથે સરકારી સહાય પણ મળશે. આ કરારથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુલ 27 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા અને સંશોધન નિયામક ડો. આર.બી. માદરીયાની ઉપસ્થિતિમાં આ કરાર કરવામાં આવ્યો હતો.